Gandhinagar

જનરક્ષકો પોતે જ અસુરક્ષિત! '112' સેવાના પાયલટોનું શોષણ, ભવિષ્ય અંધકારમય દેખાતા સરકારીકરણની માગ

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 'ડાયલ 112' સેવાના પાયલટો આઉટસોર્સિંગ કંપનીના શોષણ સામે લડી રહ્યા છે. પહેલા 12 કલાકની ફરજના 14,000 રૂપિયા મળતા, હવે 8 કલાકના બહાને પગાર ઘટાડી દેવાયો છે. 100 કિલોમીટર દૂર બદલી અને અનિયમિત પગારથી પાયલટો મુશ્કેલીમાં છે. સરકારે આ પ્રોજેક્ટનું સરકારીકરણ કરી પાયલટોનું ભવિષ્ય સુરક્ષિત કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જનરક્ષકો પોતે જ અસુરક્ષિત! '112' સેવાના પાયલટોનું શોષણ, ભવિષ્ય અંધકારમય દેખાતા સરકારીકરણની માગ

Gujarat Dial 112 Pilots Allege Exploitation: ગુજરાતની જનતાની ઇમરજન્સી સુરક્ષા માટે 24 કલાક તહેનાત રહેતી ‘ડાયલ 112’ (જનરક્ષક) સેવાના પાયલટ હાલ આઉટસોર્સિંગ કંપનીની જોહુકમી અને આર્થિક શોષણ સામે લડી રહ્યા છે. એક તરફ, રાજ્ય સરકાર 112 પ્રોજેક્ટના પ્રમોશન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ જમીની સ્તર પર રાત-દિવસે એક કરનારા પાયલટના પરિવારોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

એક તરફ 112 પ્રોજેક્ટના પ્રમોશન પાછળ કરોડોનો ધુમાડો, બીજી તરફ પાયલટનું ભવિષ્ય અંધકારમય

અગાઉ 12 કલાકની ફરજ સામે જે પગાર મળતો હતો, તે શિફ્ટ ઘટાડીને 8 કલાક કરવાના બહાને સીધો 14,000 રૂપિયા આસપાસ કરી દેવાયો છે. સપ્ટેમ્બર મહિનાનો પગાર પણ અનિયમિત મળ્યો છે. જૂન મહિનામાં કોઈ પણ જાણ કર્યા વિના વધુ પગાર જમા કરી, જુલાઈમાં એકાએક કોઈ પણ ખુલાસા વગર કાપ મૂકી દેવાતા પાઇલોટોનું બજેટ ખોરવાઈ ગયું છે.

માત્ર 14-15 હજારના નજીવા પગારમાં કામ કરતા પાયલટોની 100 કિલોમીટર દૂર બદલી

માત્ર 14-15 હજારના નજીવા પગારમાં કામ કરતા આ પાયલટોની ઘરથી 100 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે. બદલી અને નવા ઓર્ડર વચ્ચેના સમયગાળામાં પાયલટોને પગાર વગર બેરોજગાર રહેવું પડે છે. પૂરતા વાહનો ન મળવા અને અમુક જ કર્મચારીઓ પાસે ગેરકાયદે વધારાનું કામ કરાવવાની ફરિયાદો પણ ઉઠી છે. આટલા ઓછા પગારમાં વતનથી દૂર રહીને રૂમ ભાડું અને જમવાનો ખર્ચ કાઢવો કે પરિવારને સાચવવો? તે મોટો સવાલ ઉઠ્યો છે.

આઉટસોર્સિંગ કંપનીની જોહુકમી એટલી હદે વધી ગઈ છે કે પોતાની કાયદેસરની માંગણીઓ કે અન્યાય સામે અવાજ ઉઠાવનારા પાયલટોને 3-3 મહિના સુધી કોઈ પણ કારણ વગર ‘ઓફ ડ્યુટી’ કરી દેવામાં આવે છે અને બાદમાં સીધા નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે છે. જે પાયલટો પર ગુજરાતના નાગરિકોની કાયદો અને વ્યવસ્થા જાળવવાની મોટી જવાબદારી છે, તે પોતે જ જો માનસિક તણાવ, આર્થિક સંકટ અને અનિશ્ચિતતામાં જીવશે તો તેઓ ફરજ પર સો ટકા ધ્યાન કેવી રીતે આપી શકશે?

સામાજિક સંગઠનોની માંગ છે કે જો ખાનગી એજન્સીઓ ગુજરાતના યુવાનોને સાચવી શક્તિ ન હોય, તો સરકારે તાત્કાલિક અસરથી ‘ડાયલ 112’ પ્રોજેક્ટનું સંપૂર્ણ સરકારીકરણ કરીને તેને પોતાના હસ્તક લઈ લેવું જોઈએ, જેથી પાયલટોનું શોષણ અટકે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત થાય.