ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: સરકારે માંગણીઓ સ્વીકારતાં આંદોલન પરત ખેંચાયું, અરજદારોને મળશે રાહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Revenue Employees Strike: નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને ક્લાર્ક સંવર્ગના વિવિધ સળગતા પ્રશ્નો અંગે ચાલી રહેલા રાજ્યવ્યાપી આંદોલનનો અંતે ઉકેલ આવ્યો છે. સરકાર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ 'ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ' દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. આ નિર્ણયથી છેલ્લા કેટલાક દિવસોથી દાખલા અને પ્રમાણપત્રો માટે પરેશાન થઈ રહેલા લાખો અરજદારો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
ગાંધીનગરમાં યોજાઈ દ્વિપક્ષીય વાટાઘાટો
ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી, મહેસૂલ રાજ્ય મંત્રી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમાર સહિતના પ્રતિનિધિમંડળે પડતર માંગણીઓ અંગે વિગતવાર રજૂઆતો કરી હતી.
સરકારે આપી માંગણીઓ ઉકેલવાની ખાતરી
બેઠક બાદ માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે કર્મચારીઓના પ્રશ્નો અંગે હકારાત્મક વલણ અપનાવી તમામ વ્યાજબી માંગણીઓનો ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી છે. મહેસૂલ રાજ્ય મંત્રીએ પણ ઉમેર્યું હતું કે સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી આ વાટાઘાટો યોજવામાં આવી હતી.
મહામંડળે કરી આંદોલન સમેટી લેવાની જાહેરાત
સરકાર તરફથી મળેલી ખાતરી બાદ મહામંડળના પ્રમુખે આંદોલન મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવી બાંહેધરી આપવામાં આવી હોવાથી આંદોલન સમેટી લેવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં સરકારી કામગીરી પુનઃ પૂર્વવત થઈ જશે.




