દિવાળી ટાણે જ ગુજરાતમાં વીજ કટોકટીનો ભડકો: ઉદ્યોગોમાં 8 કલાકનો વીજકાપ, મંત્રીનો દાવો- બધું સામાન્ય છે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Power Crisis: ગુજરાતમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચતા ઉદ્યોગકારો રાજ્ય સરકારથી ભારોભાર નારાજ છે. તેનું કારણ એંછેકે, એક તરફ ઉદ્યોગકારો અઠવાડિયામાં એક વાર 8 કલાકના વીજ કાપની ફરિયાદ કરી રહ્યા છે, તો બીજી તરફ ઉર્જા મંત્રીએ આ વાતને નકારી કાઢી છે. એટલું જ નહીં, ગુજરાતમાં વીજળીની સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહ્યા છે. જોકે, વીજસંકટને પગલે ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો મરો થયો છે.
ભરૂચથી ઉમરગામ સુધી કારખાના-ફેક્ટરીઓમાં સન્નાટો
ઉર્જા વિભાગનો દાવો છેકે, રાજ્યમાં વીજળીની સ્થિતિ સામાન્ય છે પણ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત છે કે ભરૂચથી ઉમરગામ સુધીના ઓદ્યોગિક પટ્ટામાં સાંજે 4થી રાતના 12 વાગ્યા સુધી સત્તાવાર રીતે વીજ કાપ લાદવાનું નક્કી કરાયું છે. ટેક્સટાઇલ, ડાયમંડ, એમ્બ્રોઇડરી અને હીરા ઉદ્યોગ જેવા લાખો લોકોને રોજગારી આપતા સેક્ટર્સ વીજકાપને લીધે પાયમાલ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ જોતાં વીજકાપના સમયમાં ફેરફાર કરવામાં આવે. બીજી તરફ ઉત્પાદન ઠપ્પ થવાના કારણે કેટલાક એકમોએ તો કામદારોની છૂટછાટ પણ શરૂ કરી દીધી છે.
ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'રાજ્યમાં વીજ પુરવઠો સંપૂર્ણ નિયંત્રણમાં છે. ઉદ્યોગ જ નહીં, કૃષિક્ષેત્રે પણ નિયમિતપણે વીજળી મળી રહી છે. સૂર્યાસ્ત પછીના પિક અવર્સ દરમિયાન સોલાર પાવર ઉપલબ્ધ ન હોવાથી ખેંચ ઊભી થાય છે. સરકારે ઉદ્યોગોને માત્ર સ્વેચ્છાએ પાવર ઓછો વાપરવા અપીલ કરી છે, કોઈ બળજબરી કરી નથી.'
ઉર્જા મંત્રી ભલે પરિસ્થિતિ સામાન્ય ગણાવતા હોય, પરંતુ પડદા પાછળ સરકારનો સળવળાટ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યો છે. વીજમાંગ 29000 મેગાવોટ પાર થઈ જતાં સરકારે તાબડતોબ કેન્દ્ર સરકાર પાસે 1000 મેગાવોટ વધારાની વીજળી માંગી છે. એટલું જ નહીં, રાજ્યના બંધ પડેલા 31 પાવર પ્લાન્ટ્સને આગામી ચાલુ કરવા કડક આદેશો છૂટ્યા છે. કોલસાનો જથ્થો પણ મેળવવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી આ બંધ પાવર પ્લાન્ટ્સ ધમધમતા નહીં થાય, ત્યાં સુધી ઉદ્યોગો પર પાવર કટનું આ સંકટ યથાવત રહેશે તે નક્કી છે. જોકે, દિવાળી સુધી પણ ગુજરાતમાં વીજસંકટ દૂર થાય તેમ લાગતું નથી.
માંડવી મામલતદાર કચેરીની વીજળી ગુલ થતાં અરજદારો રઝળ્યા
માંડવી મામલતદાર કચેરીમાં આજે આવકના દાખલા કઢાવવા માટે આવતા અરજદારોને લાઈટના અભાવે કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. સવારે પોણા બાર વાગ્યાના અરસામાં મામલતદાર કચેરીનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાતા કોમ્પ્યુટર સર્વર અને મશીનો બંધ પડી ગયા હતા. જો કે, બપોરે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો પુનઃ શરૂ ન થતા આવકના દાખલા કાઢવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ રહી હતી. દૂર દૂરથી આવેલા અરજદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને ગાંધીનગરનું તેડું
એક તરફ, સરકાર ગુજરાતમાં વીજળીની સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી છે, બીજી તરફ, સચિવાલયમાં વીજળીની સ્થિતિને પગલે સમીક્ષા બેઠકોનો દોર જામ્યો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીઓના અધિકારીઓને પણ પાટનગરનું તેડું મોકલવામાં આવ્યું હતું. કચ્છ, સૌરાષ્ટ્રમાં વીજ સપ્લાયને લઈને શું સ્થિતિ છે તે અંગે ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
નાના કારખાનાઓમાં 'પાવર કટ' જ્યારે મોટા ઉદ્યોગોને 'છૂટછાટ'
રાજ્ય સરકાર પ્રગતિશીલ ગુજરાતના દાવા કરે, પરંતુ જમીનની હકીકત કંઈક જુદી છે. હાલમાં દિવાળીના તહેવારો માથે છે અને વેપારીઓ માટે આ આખા વર્ષની કમાણીની મોસમ છે. આવા સમયે રાજ્ય સરકારે નાના કારખાનાઓ પર સાંજે 4થી રાતના 12 વાગ્યા સુધી ફરજિયાત વીજ કાપ ઝીંક્યો છે, પરંતુ મોટા ઉદ્યોગોને બધી રીતે છૂટછાટ અપાઈ છે. સરકારની આ બેધારી નીતિને કારણે લઘુ ઉદ્યોગકારોમાં રોષ ભભૂક્યો છે.
સરકારની પક્ષપાતી નીતિ એવી છેકે, એક તરફ નાના કારખાનાઓને ફરજિયાત બંધ રાખવાની ફરજ પાડવામાં આવે છે, તો બીજી તરફ મોટી ફેક્ટરીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓને કોઈ પણ અડચણ વગર 24 કલાક વીજળીનો અવિરત પુરવઠો મળી રહ્યો છે. ઉદ્યોગ જગતમાં ચર્ચા છે જે નાના વેપારીઓ જીડીપી અને રોજગારીની કરોડરજ્જુ છે, તેમની જ બલિ ચડાવવામાં આવી રહી છે.
સરકાર કોલસા અને ગેસની કટોકટી તેમજ સૂર્યાસ્ત પછી સોલાર પાવર બંધ થવાનું બહાનું આગળ ધરી રહી છે. પરંતુ સવાલ એ થાય છે કે જો પાવર મેનેજમેન્ટ કરવું જ હતું, તો પ્લાનિંગ અગાઉથી કેમ ન કરાયું. દિવાળીના સમયે જ નાના વેપારીઓનું ગળું કેમ દબાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઔધોગીક ગણાતા વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન પાવર કટ જાહેર કરી છે. ટેક્સટાઇલ, ડાયમંડ, એમ્બ્રોઇડરી અને એન્જિનિયરિંગ જેવા નાના એકમો કે જેઓ દિવાળીના ઓર્ડર સમયસર પૂરા કરવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. સાંજે 4 વાગતા જ કામકાજ સમેટી લેવાની નોબત આવી છે. ઉત્પાદન અડધું થઈ જતાં લાખોના ઓર્ડર કેન્સલ થવાની ભીતિ સેવાઈ રહી છે.




