Gandhinagar

ગાંધીનગર સિવિલના ઈમરજન્સી વોર્ડમાં ડોક્ટરો વચ્ચે સંકલનના અભાવે દર્દીના જીવ જોખમમાં!

By GS Team
28 Nov 20263 mins read
TukuTouch Logo
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ઈમરજન્સી વિભાગના પ્રોફેસરે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને પત્ર લખી રેસિડેન્ટ ડોકટરોની મનમાની અને સારવારમાં થતી ચૂક અંગે ચિંતા વ્યક્ત કરી છે. 60 વર્ષીય દર્દીને વેન્ટિલેટર પર મૂકવા છતાં એનેસ્થેસિયા રેસિડેન્ટે સારવારનો ઇનકાર કર્યો. અકસ્માતમાં ઘાયલ અન્ય દર્દીને 25 મિનિટ સુધી સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. વિભાગીય સંકલનના અભાવે દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર સિવિલના ઈમરજન્સી વોર્ડમાં ડોક્ટરો વચ્ચે સંકલનના અભાવે દર્દીના જીવ જોખમમાં!
FROM GEMINI

Gandhinagar Civil Hospital Negligence: રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી મેડિસિન વિભાગ અને ટ્રાએજમાં ચાલતી ગંભીર અવ્યવસ્થા તથા તબીબી બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ખુદ ઈમરજન્સી મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને લેખિત પત્ર પાઠવી રેસિડેન્ટ તબીબોની મનમાની, વિભાગીય સંકલનના અભાવ અને દર્દીઓની સારવારમાં થતી ગંભીર ચૂક અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

વેન્ટિલેટર મુદ્દે રેસિડેન્ટ તબીબોનો સારવાર કરવાનો સ્પષ્ટ ઈનકાર

પત્રમાં જણાવ્યા અનુસાર, 25 નવેમ્બરની સાંજે શ્વાસની ગંભીર તકલીફ સાથે દાખલ થયેલા 60 વર્ષીય દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. રેસ્પિરેટરી મેડિસિન વિભાગના રેસિડેન્ટે ફરજ પરના એનેસ્થેસિયા રેસિડેન્ટની ગેરહાજરીમાં અને સિનિયર તબીબોના માર્ગદર્શન વિના જાતે જ દર્દીને ઈન્ટ્યુબેટ કરી દીધા હતા. વિભાગીય વડાએ આક્ષેપ કર્યો છે કે રેસ્પિરેટરી મેડિસિનના રેસિડેન્ટ્સ જાતે ઈન્ટ્યુબેશન શીખવાની લ્હાયમાં એનેસ્થેસિયાના તબીબોને કામ કરવા દેતા નથી અને ત્યારબાદ દર્દીની યોગ્ય સંભાળ પણ લેતા નથી. બીજી તરફ, એનેસ્થેસિયા વિભાગના રેસિડેન્ટે 'અમે દર્દીને વેન્ટિલેટર પર મૂક્યા નથી' તેવું બહાનું ધરી સારવાર કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને ઉપરી અધિકારી સાથે ઉદ્ધત વર્તન કરી પરવાનગી વિના વીડિયોગ્રાફી પણ કરી હતી.

ટ્રાએજમાં સારવાર ન મળતા ઘાયલ દર્દી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

આ ઉપરાંત, ટ્રાએજ વિભાગની બેદરકારીનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પામેલા 60 વર્ષીય દર્દી 25 મિનિટ સુધી સ્ટ્રેચર પર કણસતા રહ્યા હોવા છતાં સર્જરી વિભાગના તબીબો તેમને તપાસવા ન આવતા પરિવારજનો દર્દીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બન્યા હતા.

વિભાગીય સંકલન અને સ્ટાફની અછત મુદ્દે એચઓડીની ચેતવણી

વિભાગીય વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિવિધ વિભાગો વચ્ચે પ્રોટોકોલ અને સંકલનના અભાવે દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને જો કોઈ દર્દીનું મૃત્યુ થશે તો તેની જવાબદારી તેમની રહેશે નહીં. વડાપ્રધાન પણ જ્યારે ટ્રોમા અને ઈમરજન્સી સેવાઓને મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સ્ટાફની અછત અને 'બર્નઆઉટ સિન્ડ્રોમ' વચ્ચે માનવ જિંદગી બચાવવા તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા તેમણે માંગ કરી છે.

રજૂઆત છતાં હકારાત્મક નિર્ણય નહીં આવતા ઈમરજન્સી વિભાગના વડા નારાજ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ઉદ્ધત વર્તન અને વિડીયોગ્રાફી ઉતારી હોવા અંગે ઈમરજન્સી વિભાગના વડા દ્વારા સિવિલ સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો જેના પગલે ગઈકાલે ગુરુવારે મોડી રાત સુધી ઈમરજન્સી વિભાગના વડા સિવિલમાં જ રોકાઈ રહ્યા હતા અને ન્યાયની અપેક્ષા કરી રહ્યા હતા જોકે કોઈ હકારાત્મક પ્રતિઉત્તર નહીં મળતા સિવિલની બેદરકારી અને રેસિડેન્ટ ડોક્ટરોની મનમાની બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઘાયલ દર્દીને સારવાર નહીં મળતા આખરે ખાનગી હોસ્પિટલના સહારે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી બોર્ડમાં માર્ગ અકસ્માત કે અન્ય ઈમરજન્સી આરોગ્યની સેવા વખતે બેદરકારીના અનેક કિસ્સાઓ અગાઉ સામે આવ્યા છે ત્યારે ઈમરજન્સી વિભાગના વડા દ્વારા જ સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં રજૂઆત કરીને ઈમરજન્સી બોર્ડમાં ગઈકાલે માર્ગ અકસ્માતમાં ઘાયલ દર્દીને સ્ટ્રેચર પર જ રાખવામાં આવ્યું હતું અને 20 થી 25 મિનિટ સુધી આ દર્દીને કોઈ ઠોસ સારવાર મળી ન હતી જેના કારણે આખરે આ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતું રહ્યું હતું તેવો ઉલ્લેખ પણ સુપ્રીટેનમેન્ટ અને પાઠવવામાં આવેલા આ લેટરમાં કરવામાં આવ્યો છે.