ગાંધીનગર: ગિફ્ટ સિટી જતી મેટ્રોનું સંચાલન ખોરવાયું, પાયલોટિંગ ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Metro Train Derailment: જીએમઆરસી સંચાલિત મેટ્રો સેવામાં શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી રૂટ પર સંચાલન ખોરવાયું હતું. મેટ્રો સેવા શરૂ કરતાં પહેલાં ટ્રેકનું નિરીક્ષણ કરવા માટે દોડાવવામાં આવેલી ખાલી પાયલોટિંગ ટ્રેનમાં ગિફ્ટ સિટી સ્ટેશન પાસે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનનો આગળનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. જોકે, જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યા મુજબ ટેક્નિકલ ખામીને કારણે પાયલોટિંગ ટ્રેનને ટ્રેક પર જ રોકી દેવામાં આવી હતી.
પીડીપીયુ સ્ટેશન સુધી જ મેટ્રો દોડાવાઈ
મેટ્રોનું નિયમિત સંચાલન શરૂ થાય તે પહેલાં દરરોજ એક ખાલી ટ્રેન દોડાવીને તમામ ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવે છે. શુક્રવારે સવારે ગિફ્ટ સિટી સુધીના રૂટનું નિરીક્ષણ કરવા ગયેલી ટ્રેન ગિફ્ટ સિટી સ્ટેશને પહોંચ્યા બાદ ટ્રેક બદલવા માટે આગળ લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન ટ્રેનના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે ગિફ્ટ સિટી સુધી જતી મેટ્રો સેવા પીડીપીયુ સ્ટેશન સુધી જ મર્યાદિત રાખવામાં આવી હતી. પરિણામે ગિફ્ટ સિટી સુધી જવા-આવવા માગતા પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ટેક્નિકલ ટીમે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જીએમઆરસીના ટેક્નિકલ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટ્રેનમાં ખામી સર્જાવાનું કારણ અને ઘટનાની સમગ્ર વિગતો જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ બાદ જ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા હોવા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.




