વાહન વ્યવહાર વિભાગની લાલિયાવાડી, વર્ષ 2010 પહેલાં ઇશ્યૂ થયેલા અનેક લાયસન્સ ધારકોને 400ના બદલે 800 રૂપિયા ભરવાનો વારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat RTO Driving License Backlog Renewal: રાજ્યના વાહન વ્યવહાર વિભાગમાં ચાલતી વહીવટી અણઆવડત અને બેદરકારીનો ભોગ હવે સામાન્ય નાગરિકો બની રહ્યા છે. રાજ્યભરમાં વર્ષ 2010 પહેલાં ઇશ્યૂ થયેલા ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યૂ કરાવવા માટે બેકલોગ એન્ટ્રી કરાવવી ફરજિયાત છે. આ પ્રક્રિયા ઝડપી બનાવવાના બહાને વાહન વ્યવહાર વિભાગે એક મહિના પહેલાં પરિપત્ર બહાર પાડીને અરજીઓની મંજૂરીનું કેન્દ્રીયકરણ કરી દીધું હતું. જે મુજબ અન્ય જિલ્લાઓની બેકલોગ અરજીઓનો નિકાલ અમદાવાદ (સુભાષબ્રિજ), વસ્ત્રાલ, બાવળા અને ગાંધીનગર RTOના ઇન્સ્પેક્ટરો દ્વારા કરવાનો આદેશ કરાયો હતો. જો કે, આ પરિપત્રમાં અરજીના નિકાલ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા (ટાઈમ લિમિટ) નક્કી ન કરાતાં હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.
સમયસીમાના અભાવે અરજીઓ પેન્ડિંગ, લાયસન્સ એક્સપાયર થતાં મુસાફરો પર દંડ
કોઈ ચોક્કસ ડેડલાઇન ન હોવાના કારણે અન્ય જિલ્લાઓમાંથી અમદાવાદ અને વસ્ત્રાલ ખાતે આવતી ફાઈલોનો નિકાલ કરવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. સમયસર મંજૂરી ન મળવાના લીધે અરજદારોના જૂના લાયસન્સ એક્સપાયર થઈ રહ્યા છે.
- સામાન્ય સંજોગોમાં લાયસન્સ રિન્યુ કરાવવાની સત્તાવાર ફી 400 રૂપિયા છે. પરંતુ વિભાગના વિલંબને કારણે લાયસન્સ એક્સપાયર થઈ જતાં અરજદારોએ હવે 800 રૂપિયાથી વધુ ફી ચૂકવવી પડી રહી છે.
- માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ અરજદારે સમગ્ર પ્રક્રિયા નવેસરથી શરૂ કરી ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડી રહ્યો છે. હાલમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 2-2 મહિના સુધી એપોઇન્ટમેન્ટ ન મળતી હોવાથી લોકોની હાલાકી બેવડાઈ છે.
દર મહિને 300થી વધુ અરજીઓ
માહિતી મુજબ, અમદાવાદ અને વસ્ત્રાલ RTO માં દર મહિને વર્ષ 2010 પહેલાંના અંદાજે 300 લાયસન્સ રિન્યૂઅલ માટે આવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ હોવા છતાં વાહન વ્યવહાર વિભાગના ટેકનિકલ વિભાગના જવાબદાર અધિકારી પોતાની ફરજ અને જવાબદારી સ્વીકારવાથી છટકી રહ્યા છે. વિભાગના ઉચ્ચ અધિકારીઓ વ્યવસ્થા સુધારવાના બદલે પોતાની ખામીઓનો દોષ એકબીજા પર ઢોળી રહ્યા છે.
RTOનો લૂલો બચાવ: 'પરિપત્ર વિભાગે કર્યો છે, અમારી કોઈ જવાબદારી નથી'
સમગ્ર વિવાદ અંગે અમદાવાદ RTOના સ્થાનિક અધિકારીઓ હાથ ઊંચા કરતાં જણાવી રહ્યા છે કે, આ અંગેનો પરિપત્ર સીધો ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરી/વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. તેનું સીધું મોનિટરિંગ અને કામગીરીનું સુપરવિઝન પણ વિભાગ પોતે જ કરી રહ્યું છે, જેથી સ્થાનિક કચેરીની કોઈ સીધી જવાબદારી બનતી નથી. અધિકારીઓની આ આંતરિક ખેંચતાણ અને ઉદાસીનતા વચ્ચે નિર્દોષ અરજદારોએ સમય, પૈસા અને માનસિક ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે.




