Gandhinagar

ગુજરાતમાં વીજ સંકટ? સાંજે 5થી 11 વીજ વપરાશ ઘટાડવા લોકોને સરકારની અપીલ, 29,822 MWની ઓલ-ટાઇમ હાઇ માંગ મોટો પડકાર

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસા બાદ અચાનક વીજળીની કટોકટી સર્જાઈ છે. 16 ઑક્ટોબરે 29,822 MW વીજ માંગ નોંધાઈ, જે ઇતિહાસમાં સૌથી વધુ છે. અલ નીનો અને નબળા ચોમાસાથી ગરમી વધતાં ખેતીવાડી અને કૂલિંગ લોડ વધ્યો. સરકારે કેન્દ્ર પાસે કોલસો અને વીજળી માટે મદદ માંગી, દિલ્હીમાં બેઠકો યોજી. લોકોને બિનજરૂરી વીજ વપરાશ ટાળવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વીજ સંકટ? સાંજે 5થી 11 વીજ વપરાશ ઘટાડવા લોકોને સરકારની અપીલ, 29,822 MWની ઓલ-ટાઇમ હાઇ માંગ મોટો પડકાર

Gujarat Power Crisis: ચાલુ વર્ષે ચોમાસુ પૂરું થતાં જ ગુજરાતમાં આકરા તાપ અને બફારાને કારણે અચાનક જ વીજળીની કટોકટી સર્જાઈ છે. 16 ઑક્ટોબરે રાજ્યમાં અત્યાર સુધીની ઇતિહાસની સૌથી વધુ 29,822 મેગાવોટ(MW) વીજ માગ નોંધાઈ હતી, જે ગત વર્ષની સરખામણીએ 36.6% વધુ છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રીએ તમામ વીજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજીને વધારાની વીજળી અને કોલસા માટે દિલ્હી સુધી દોડધામ કરવી પડી છે.

ચોમાસાની ઓછી તીવ્રતા અને કાળઝાળ ગરમીથી માગ શૂટ-અપ થઈ

ઑક્ટોબર માસમાં અચાનક વીજ માગ વધવા પાછળ અલ નીનોની અસર અને નબળા ચોમાસાને કારણે ઊંચું ગયેલું તાપમાન મુખ્ય કારણ ગણાવાયું છે. કૂલિંગ લોડ (એસી/ફેન) વધવાની સાથે ખેતીવાડીમાં પાક બચાવવા માટે દૈનિક 12,000 મેગાવોટ જેટલો મોટો વીજ લોડ નોંધાઈ રહ્યો છે. ઉપરાંત, પાડોશી રાજ્યો અને ગુજરાતમાં ઓછો વરસાદ હોવાથી હાઇડ્રો પાવરનું ઉત્પાદન ઘટ્યું છે અને પવનની ગતિ ધીમી પડતાં વિન્ડ એનર્જીનું ઉત્પાદન પણ ખોરવાયું છે.

સાંજ પડતાં જ ગ્રીડ પર 'રેડ ઍલર્ટ' જેવી સ્થિતિ

હાલ ગુજરાત દિવસ દરમિયાન 12,000 મેગાવોટ સોલાર ઊર્જા પર નિર્ભર રહે છે. પરંતુ સાંજે 5થી રાત્રે 11 વાગ્યા દરમિયાન સૂર્યાસ્ત થતાં જ સોલાર ઉત્પાદન શૂન્ય થઈ જાય છે. બીજી તરફ, નવરાત્રિ અને તહેવારોને કારણે આ જ સમયે વીજ માગ ચરમસીમાએ પહોંચે છે. પરિણામે, રાજ્યમાં થર્મલ(કોલસો) અને ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ પર ભારે દબાણ આવી ગયું છે.

કેન્દ્ર પાસે ઝોળી ફેલાવવી પડી, કોલસા અને પાવર માટે દિલ્હીમાં બેઠકો

રાજ્યમાં વીજળીનો પુરવઠો જાળવી રાખવા માટે સરકારે કેન્દ્ર સરકાર સામે મદદ માટે હાથ લંબાવવો પડ્યો છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને નવેમ્બરથી રોજના 13થી 14 કોલસાના રેલવે રેક આપવા વિનંતી કરાઈ છે.

NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી 379 મેગાવોટ અને આસામના ફાળામાંથી 500 મેગાવોટ વીજળી મેળવવા તાત્કાલિક કરારો કરવા પડ્યા છે. ઑક્ટોબર માસ માટે 2,990 મેગાવોટ વીજળી શોર્ટ-ટર્મ ટાઇ-અપ (મોંઘા ભાવે ખરીદી) કરીને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

'અફવાઓથી દૂર રહો' કહીને લોકોને નાગરિકોને વીજ વપરાશ ટાળવા સલાહ!

સરકારે "પૂરતો વીજ પુરવઠો ઉપલબ્ધ છે" તેવો દાવો કર્યો છે, પરંતુ સાથે જ નાગરિકોને રાષ્ટ્રહિત અને જનહિતના નામે સાંજે 5થી 11 વાગ્યા દરમિયાન બિનજરૂરી વીજ વપરાશ ટાળવા અને વપરાશ દિવસના સોલાર કલાકોમાં ગોઠવવા અપીલ કરી છે.

નિષ્ણાતોના મતે, આ અપીલ દર્શાવે છે કે જો ગ્રાહકો સાંજના સમયે વીજળીનો વપરાશ નહીં ઘટાડે, તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોડ શેડિંગ કે વીજ કાપનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યમાં બેટરી સ્ટોરેજ (BESS) અને ન્યુક્લિયર પ્લાન્ટ્સના આયોજનની વાતો સરકારે કરી છે, પરંતુ વર્તમાન ઓક્ટોબર માસની વીજ કટોકટીએ સરકારના વીજ આયોજન સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.