ગાંધીનગર અક્ષરધામ ખાતે 10,000 દીવડાઓ સાથે ભવ્ય 'દીપોત્સવી પર્વ' ઉજવાશે, 8 દિવસ સુધી માણી શકાશે રોશનીનો નજારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Akshardham Diwali Celebration: ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર 8 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન પ્રકાશનું પર્વ ‘દીપાવલી' ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા અક્ષરધામ પરિસરમાં સતત 34મા વર્ષે 10,000 દીવડાઓની નયનરમ્ય હારમાળા પ્રગટાવીને દીપાવલિ મનાવવામાં આવશે.
- દીપોત્સવ દર્શન સમય: 8 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સાંજે 6:00 થી 7:45 વાગ્યા સુધી.
- સોમવાર અંગે ખાસ નોંધ: સોમવાર, 09-11-2026ના રોજ પણ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ મુખ્ય આકર્ષણો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.

સંધ્યા સમયે હજારો દીવડાઓની રોશની વચ્ચે ઝળહળતું અક્ષરધામ મંદિર, હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ‘ગ્લો ગાર્ડન’, ‘નીલકંઠ વાટિકા’માં આકર્ષક લાઈટિંગ તથા 108 ગૌમુખમાંથી વહેતી સંગીતમય જલધારા વચ્ચે બિરાજમાન તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની રમણીય મૂર્તિ મુલાકાતીઓને ‘સત્યમ્ – શિવમ્ – સુંદરમ્’ની દિવ્ય અનુભૂતિ કરાવશે.


‘જીવનમાં શાશ્વત સુખ માટે કયો માર્ગ અપનાવવો?’
આ વર્ષે દીપાવલી પર્વ નિમિત્તે મહામંદિરના ગર્ભગૃહમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ 12 ફૂટ × 8 ફૂટની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. માનવમાત્રના મનમાં ઉદ્ભવતા સનાતન પ્રશ્ન ‘જીવનમાં શાશ્વત સુખ માટે કયો માર્ગ અપનાવવો?’ એ થીમ પર આધારિત આ રંગોળી મહાભારતના પ્રસિદ્ધ શ્લોક ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’ (શાશ્વત સુખ માટે મહાપુરુષોએ કંડારેલા માર્ગનું અનુસરણ કરો) શીર્ષક હેઠળ તૈયાર કરાઈ છે.





