પ્રજાને કરકસરના પાઠ અને બાબુઓને જલસા? સચિવાલયમાં ખાલી ચેમ્બરો વચ્ચે AC-લાઈટનો ધૂમ વપરાશ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Power Crisis: રાજ્યમાં હાલ વીજ સંકટની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, જેના કારણે ગુજરાત સરકારે સામાન્ય જનતા, ખેડૂતો અને ઉદ્યોગોને વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક તરફ પ્રજાને નિયમો પાળવાની શીખ અપાઈ રહી છે, ત્યારે બીજી તરફ ખુદ સચિવાલય અને સરકારી કચેરીઓમાં એસી, પંખા તથા લાઈટોનો બેફામ અને ધૂમ વપરાશ થઈ રહ્યો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે જાણે વીજબચતના નિયમો ફક્ત જનતા માટે જ હોય અને પ્રજા દંડાય તથા સાહેબો જલસા કરે તેવો ઘાટ ઘડાયો છે.
પેટ્રોલ-ડિઝલ બચતના દેખાડાની જેમ વીજસંકટમાં પણ નિયમો માત્ર કાગળ પર
અગાઉ પણ રાજ્ય સરકારે સચિવાલય અને સરકારી કચેરીઓમાં વીજળી બચાવવા માટે રૂમમાં કોઈ ન હોય ત્યારે એસી-પંખા બંધ રાખવા અને તાપમાન નિયત રાખવા જેવા સત્તાવાર પરિપત્રો અને કડક સૂચનાઓ આપી હતી. પરંતુ આ સરકારી આદેશો માત્ર કાગળ પર જ દફન થઈ ગયા છે. વર્તમાન વીજસંકટ વચ્ચે પણ મંત્રીઓ અને અધિકારીઓની ગેરહાજરીમાં ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટો સતત ચાલુ રહેતી હોવાના દ્રશ્યો સામાન્ય બન્યા છે.
અગાઉ વડાપ્રધાનની પેટ્રોલ-ડિઝલ બચાવવાની અપીલ પર મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ થોડા દિવસ સાયકલ સવારી કે ઈવી કાર વાપરીને માત્ર 'ફોટો સેશન' પૂરતો દેખાડો કર્યો હતો અને થોડા જ દિવસોમાં ફરી મોંઘીદાટ લક્ઝુરિયસ સરકારી ગાડીઓનો કાફલો રસ્તા પર દોડવા લાગ્યો હતો; બિલકુલ તેવી જ પેટર્નનું પુનરાવર્તન આ વીજ સંકટમાં પણ થઈ રહ્યું છે.
સામાન્ય જનતા માટે કડકાઈ અને સરકારી કચેરીઓમાં મૌન ધારણ કરતું તંત્ર
જો કોઈ સામાન્ય નાગરિક કે ખેડૂત નિયમોનું ઉલ્લંઘન કરે, તો વીજ તંત્ર તાત્કાલિક વીજ જોડાણ કાપવાની સખત કાર્યવાહી કરવા દોડી જાય છે. પરંતુ જ્યાં પ્રજાના ટેક્સના પૈસાથી વીજળીના બિલ ભરાય છે તે જ સરકારી ઑફિસોમાં નિયમોનું ખુલ્લેઆમ અને ધરાર ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેમ છતાં સરકારે આ બાબતે સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું છે. વીજ સંકટના કપરા સમયમાં શાસકો અને સરકારી કર્મચારીઓનું આ બેજવાબદાર અને બેધ્યાન વલણ સામાન્ય પ્રજામાં ભારે રોષ અને અસંતોષ ફેલાવી રહ્યું છે.




