ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટ માટે માપણી કરવા ગયેલી ટીમને ખેડૂતોએ ભગાડી, નેશનલ હાઈવે સામે વિરોધ વંટોળ કેમ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharatmala Project Gandhinagar: ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતા મહત્ત્વાકાંક્ષી ભારતમાલા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિવાદ વધુ વકર્યો છે. છેલ્લા 1 વર્ષથી વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે અને અગાઉ 2 વખત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ જમીનના બજાર ભાવ મુજબ યોગ્ય અને પૂરતું વળતર નહીં મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે અત્યાર સુધી જિલ્લામાં એક ઇંચ પણ જમીનનું સંપાદન થઈ શક્યું નથી.
આ પરિસ્થિતિ વચ્ચે માણસા તાલુકાના છેવાડાના ખાટાઆંબા ગામે માપણીના સાધનો અને સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે આવેલા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, એન્જિનિયરો અને કર્મચારીઓની ટીમને લેખિત મંજૂરીના અભાવે ખેડૂતોએ માપણી કર્યા વગર જ વિલા મોઢે પરત મોકલી દીધી હતી.
પ્રાંત અધિકારીએ પણ મંજૂરી ન આપી હોવાનું ખુલતા મામલો ગરમાયો
તંત્રની હિલચાલની જાણ થતા જ ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અધિકારીઓ પાસે કામગીરી અંગેની લેખિત પરમિશન માંગી હતી. જો કે, અધિકારીઓ પાસે કોઈ લેખિત મંજૂરી ન હોવાનું બહાર આવતા મામલો ગરમાયો હતો.
આ દરમિયાન સ્થળ પર હાજર એક જાગૃત ખેડૂતે સીધો જ કલોલ પ્રાંત અધિકારીને ફોન કરીને પૂછપરછ કરતા તેમણે પણ માપણી માટે કોઈ પરમિશન આપી ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. પરિણામે ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને એકસંપ થઈને ટીમને કોઈ કામગીરી કરવા દીધી ન હતી તેમજ તાત્કાલિક સ્થળ છોડવા ફરજ પાડી હતી.
બીજી તરફ, ખાટાઆંબા ગ્રામ પંચાયતે પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને કલોલ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી વળતર સહિતના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે અને ગ્રામ પંચાયત તથા ખેડૂતોની પૂર્વમંજૂરી ન લેવાય ત્યાં સુધી ગામની સીમમાં માપણી કે સંપાદનની કોઈ કામગીરી કરવા દેવામાં આવશે નહીં.
અગાઉ પરબતપુરામાં ખૂંટ ઉખાડી ફેંકાયા હતા, વાંધા અરજીઓની સુનાવણી પણ બાકી
ગાંધીનગર જિલ્લામાં પૂરતા વળતરના અભાવે ખેડૂતોમાં વર્ષોથી નારાજગી પ્રવર્તી રહી છે. આ અગાઉ પણ માણસા તાલુકાના પરબતપુરા ગામમાં પોલીસ કાફલા સાથે માપણી કરવા આવેલી હાઈવે ઓથોરિટીની ટીમે જમીનમાં ખૂંટ લગાવ્યા હતા, ત્યારે તમામ ખેડૂતોએ ભેગા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તમામ ખૂંટ ઉખાડીને ફેંકી દઈ અધિકારીઓને ગામમાંથી ભગાડી મૂક્યા હતા.
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર તાલુકાના 2 તેમજ માણસા અને કલોલ તાલુકાના વેડા, હિંમતપુરા, જામળા, પરબતપુરા, પેપુ, સોજા, ઈટલા અને બાલવા સહિતના 8 જેટલા ગામોની જમીન સંપાદન થનાર છે. આ અંગે ખેડૂતોએ પ્રાંત કચેરીમાં વાંધા અરજીઓ આપી છે, જેની હજુ સુનાવણી પણ થઈ નથી. તે પૂર્વે જ માપણી શરૂ કરાતા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી વળતરની સ્પષ્ટતા અને પ્રશ્નોનું લેખિત નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સંપાદન થવા દેવામાં આવશે નહીં.




