Gandhinagar

દિવાળી બાદ આંદોલનોનું એપી સેન્ટર બન્યું ગાંધીનગર! 3 મોરચે ઘેરાઈ ગુજરાત સરકાર

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
દિવાળી બાદ ગાંધીનગરમાં આંદોલનોનો ફરી પ્રારંભ થયો છે. વ્યાયામ શિક્ષકો, એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ અને TAT ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. 5700 જગ્યાઓ સામે 1700 કરાર આધારિત વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. એઈડ્સ સોસાયટીના કર્મચારીઓ પગાર વિસંગતતા મુદ્દે માસ સીએલ પર ઉતર્યા છે. TATના 30 હજારથી વધુ ઉમેદવારો પરિણામમાં ક્ષતિ જણાવી પુનઃમૂલ્યાંકનની માંગ સાથે ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી બાદ આંદોલનોનું એપી સેન્ટર બન્યું ગાંધીનગર! 3 મોરચે ઘેરાઈ ગુજરાત સરકાર

Gandhinagar Protest: દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એકવાર આંદોલનોની આગમાં સપડાયું છે. સરકારના ખોટા વાયદા અને વચનોએ જ આંદોલનના વેગને હવા આપી હોય તેવો માહોલ સર્જાયો છે. વ્યાયામ શિક્ષકો, એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ અને ટાટ (TAT)ના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડતા આંદોલનો છાવણી ઉભરાઈ ગઈ હતી. એકસાથે ત્રણ મોટા આંદોલનો વેગવાન બનતા રાજ્ય સરકારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.

ઓલમ્પિકના સપના વચ્ચે વ્યાયામ શિક્ષકોની અછત, કાયમી ભરતીની માંગ

એક તરફ ગુજરાતમાં ઓલમ્પિક યોજવાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યની શાળાઓમાં જ વ્યાયામ શિક્ષકોની ભારે અછત પ્રવર્તી રહી છે. રાજ્યમાં 5700 જગ્યાઓ સામે માત્ર 1700 વ્યાયામ શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે અને તે પણ કરાર આધારિત! 19 મહિના પહેલા સરકારે કાયમી ભરતીનું લોલીપોપ આપ્યું હતું, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે રોષે ભરાયેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે મોરચો માંડ્યો છે.

એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ 'માસ સીએલ' પર, કાર્યક્રમના બહિષ્કારની ચીમકી

ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓએ પણ હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. પગાર વિસંગતતા, ઇન્ક્રીમેન્ટ અને અન્ય પડતર માંગણીઓને લઈને આ કર્મચારીઓ 'માસ સીએલ' (સામૂહિક રજા) પર ઉતરી ગયા છે, જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ પર સીધી અસર પડી રહી છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય, તો આગામી 'વિશ્વ એઇડ્સ દિવસ'ના સરકારી કાર્યક્રમનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.

ટાટ (TAT)ના પરિણામ સામે ઉમેદવારોનો રોષ, પુનઃમૂલ્યાંકનની માંગ

શિક્ષણ વિભાગના અણઘડ વહીવટ સામે ટાટના ઉમેદવારોએ પણ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. પરીક્ષામાં કુલ 47 હજાર પૈકી 30 હજાર જેટલા ઉમેદવારો નાપાસ થતાં પરિણામ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પરિણામમાં ક્ષતિ હોવાની આશંકા સાથે પુનઃમૂલ્યાંકનની ઉગ્ર માંગ લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સરકાર માટે કપરા ચઢાણ

તહેવારો બાદ તરત જ શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્ત્વના વિભાગો સામે શરૂ થયેલા આ ત્રિપાંખિયા જંગે સરકારને ભીંસમાં મૂકી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ આંદોલનકારીઓની પડતર માંગણીઓ સંતોષીને મામલો થાળે પાડે છે કે પછી આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.