Entertainment

'રામાયણ'ના VFX પર સવાલો ઉઠતાં જ રોષે ભરાયો યશ: દર્શકોને કરી અપીલ- નાની ભૂલો શોધવાનું બંધ કરો

By GS Team
20 Oct 20263 mins read
TukuTouch Logo
હૈદરાબાદમાં 'રામાયણ: પાર્ટ વન'ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં સાઉથ સુપરસ્ટાર યશે દર્શકોને VFXની ખામીઓ ન શોધવા અપીલ કરી. 5 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થનારી આ બિગ-બજેટ ફિલ્મના કો-પ્રોડ્યુસર યશે કહ્યું કે આવા પ્રયાસો ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જાય છે. તેમણે નકારાત્મકતા ટાળીને, ફિલ્મને ખુલ્લા મનથી સ્વીકારવા અનુરોધ કર્યો. રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને રવિ દુબે પણ ઉપસ્થિત રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'રામાયણ'ના VFX પર સવાલો ઉઠતાં જ રોષે ભરાયો યશ: દર્શકોને કરી અપીલ- નાની ભૂલો શોધવાનું બંધ કરો

Yash Defends Ramayana VFX Criticisms: હૈદરાબાદ ખાતે યોજાયેલા ‘રામાયણ: પાર્ટ વન’ના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન સાઉથના સુપરસ્ટાર અને ફિલ્મના કો-પ્રોડ્યુસર યશે ચાહકો અને દર્શકોને આ ભવ્ય ફિલ્મને ખુલ્લા મનથી સ્વીકારવાની અપીલ કરી છે. તેમણે ખાસ અનુરોધ કર્યો કે લોકો VFXમાં નાની-મોટી ભૂલો કે ખામીઓ શોધવાનો પ્રયાસ ન કરે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ બિગ-બજેટ ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

યશે કહ્યું: આવો પ્રયાસ ફરી ક્યારેય નહીં થાય

યશે જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આટલી મોટી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે પોતાની પ્રતિષ્ઠા અને કરોડો રૂપિયા દાવ પર લગાવે છે. તેમણે દર્શકોને ભાવુક અપીલ કરતાં કહ્યું કે,

"કૃપા કરીને VFXમાં આ ખામી છે કે તે ખામી છે, તેવું શોધીને નકારાત્મકતા ન ફેલાવો. જો આપણે આવા વિઝનરી લોકોને ગુમાવી દઈશું, તો ફરી આવો પ્રયાસ નહીં થાય અને આપણું સિનેમા વર્ષો પાછળ ધકેલાઈ જશે."

તેમણે ઉમેર્યું કે કો-પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ હંમેશાં દરેક ફીડબેક અને આલોચનાને સ્વીકારીને કામ વધુ બહેતર બનાવવાની કોશિશ કરી છે. આ સાથે યશે તેલુગુ, કન્નડ, મલયાલમ, તમિલ અને હિન્દી—તમામ ઇન્ડસ્ટ્રીઝને ભેગા મળીને સમગ્ર વિશ્વ સમક્ષ ભારતીય સિનેમાની એકતા દર્શાવવા આહ્વાન કર્યું હતું.

નમિત મલ્હોત્રાના વિઝનથી પ્રભાવિત થયા યશ

યશે ખુલાસો કર્યો કે તેઓ આ પ્રોજેક્ટ સાથે એટલા માટે જોડાયા કારણ કે નમિત મલ્હોત્રામાં ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અદભુત જુસ્સો અને સમર્પણ છે. નમિત મલ્હોત્રા લોસ એન્જલસમાં પોતાનો બિઝનેસ સફળતાપૂર્વક ચલાવી રહ્યા હતા અને ઓસ્કાર પણ જીતી ચૂક્યા છે, છતાં તેઓ હંમેશાં કહેતા કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે વૈશ્વિક સ્તરે મોટું કામ કરવું જરૂરી છે. યશે કહ્યું કે આવા વ્યક્તિનું સમર્થન કરવું એક ભારતીય તરીકે આપણી સૌની ફરજ છે.

આ ઇવેન્ટમાં યશ અને નમિત મલ્હોત્રા ઉપરાંત ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂર, સીતાના રોલમાં સાંઈ પલ્લવી અને લક્ષ્મણની ભૂમિકા ભજવતા રવિ દુબે પણ ઉપસ્થિત રહ્યા હતા.

comment.jpeg

રણબીર કપૂરે કહ્યું: રામાયણ આપણા હૃદયમાં વસેલી કથા છે

ઇવેન્ટમાં રણબીર કપૂરે ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું કે અમુક વાર્તાઓ માત્ર સંભળાવવા પૂરતી સીમિત નથી હોતી, પરંતુ આપણા સંસ્કારો અને હૃદયમાં ઊંડે સુધી વણાયેલી હોય છે; રામાયણ એવી જ એક પવિત્ર ગાથા છે. પ્રભુ શ્રીરામનું પાત્ર ભજવવું એ તેમના માટે ભાવનાત્મક સફર રહી છે, જેણે તેમને હિંમત, કરુણા, ક્ષમા અને આભારની ભાવનાનો અહેસાસ કરાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ફિલ્મ દરેક દર્શકને પોતાના બાળપણમાં દાદા-દાદી અને માતા-પિતા પાસેથી સાંભળેલી એ અમર વાતો સુધી લઈ જશે.

ટીઝરના યુદ્ધ દ્રશ્યો પર ઉઠ્યા હતા સવાલો

નોંધનીય છે કે રામાયણનો પહેલો લુક અને ટીઝર હનુમાન જયંતીના દિવસે સામે આવ્યું હતું, જેમાં ભવ્ય VFX અને યુદ્ધના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. ટીઝરને મોટાભાગના લોકો તરફથી પ્રશંસા મળી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે લંકાના યુદ્ધ સીન્સ અને રાક્ષસોની ડિઝાઇનને 'ગેમ ઓફ થ્રોન્સ', 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' તેમજ 'ડ્યૂન: પાર્ટ ટુ' જેવી હોલીવુડ ફિલ્મોની નકલ ગણાવીને ટ્રોલિંગ કર્યું હતું. યશની આ અપીલ આવા જ બિનજરૂરી ટ્રોલિંગ અને ટીકાઓ સામે સમગ્ર ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે કરવામાં આવી છે.