Entertainment

લવ એન્ડ વોરના સેટ પર કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર

By GS TEAM
23 Jun 20262 mins read
લવ એન્ડ વોરના સેટ પર કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર

- આલિયા ભટ્ટનાં શૂટિંગ માટે સેટ બનાવાતો હતો  

- વીજળીનો કરંટ લાગતાં મોત : ફિલ્મ સેટ પર સેફ્ટી એસઓપીની સંગઠનોની માંગ

મુંબઇ :  સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'લવ એન્ડ વોર'ના સેટ પર વીજળીનો કરંટ લાગતાં ૪૨ વર્ષના સુથાર ચન્દ્રધારી યાદવનું મોત થતાં ફિલ્મ લાઇનમાં કામ કરતાં કામદારોની સુરક્ષાનો મામલો ફરી ચગ્યો છે. ફિલ્મના સેટ પર સેફ્ટી એસઓપીની માંગ થઈ છે.  ભણશાળીએ મૃતકના પરિવારને ૪૦ લાખનાં વળતરની ઓફર કરી હોવાનું કહેવાય છે. 

આલિયા ભટ્ટની એક સીકવન્સનાં શૂટિંગ માટે સેટ તૈયાર થઈ રહ્યો હતો તે વખતે ગઈ તા ૧૭મીએ મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં આવેલા રોયલ પંપ સ્ટુડિયોમાં રાતે ત્રણ વાગ્યે આ દુર્ઘટના બની હતી. મૃતક  સુથારના પરિવારમાં પત્ની તથા બે પુત્રીઓનો સમાવેશ થાય છે. 

કામદારોના  પ્રતિનિધિઓએ આ મામલે રજૂઆત કરતાં ભણશાળી પ્રોડક્શન દ્વારા ૪૦ લાખ રૂપિયા વળતર પેટે આપવાની ઓફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કર્મચારીઓના યુનિયનની માંગ છે કે યાદવની પત્નીને નોકરી આપવામાં આવે તથા તેની પુત્રીઓના શિક્ષણની જવાબદારી પણ નિર્માતા લે. 

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝના માનદ મહામંત્રી અશોક દુબેએ જણાવ્યું હતું કે ચન્દ્રધારી યાદવ સેટ પર સતત ત્રણ દિવસથી સવારે સાતથી મધરાતે ત્રણ વાગ્યા સુધી ડયુટિ પર હતો.

 વીજળીનો કરંટ લાગ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યુ હતું. સંસ્થાના સલાહકાર અશોક પંડિતે સેટ પર નિયમિત ઓડિટ કરવા માટે નિર્માતાઓના સંગઠનો, સ્ટુડિયોઝ તથા સરકારને વારંવાર વિનંતી કરી છે. સેટ પર સરેરાશ દોઢસોથી બસો કામદારો કામ કરતાં હોય ત્યારે તેમની સુરક્ષા મહત્વની બની રહે છે. આ મામલે વિશદ એસઓપી ઘડી કાઢવાની જરૂર છે તેમ પંડિતે જણાવ્યું હતું.