કોને મળશે કરિશ્મા કપૂરના Ex હસબન્ડની રૂ.10,300 કરોડની સંપત્તિ? કંપનીનો રૂ. 31 હજાર કરોડનો બિઝનેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Who Will Inherit Sunjay Kapur’s Rs 10,300 Crore Wealth: અમેરિકાના ટોચના ઉદ્યોગપતિમાં સામેલ સંજય કપૂરના અણધાર્યા અવસાનથી બિઝનેસ અને ફિલ્મી જગતમાં સોપો પડી ગયો છે. તેમના નિધન બાદ તેમની રૂ. 31000 કરોડની ઓટો કમ્પોનન્ટ કંપની સોના કોમસ્ટારનું સુકાન કોણ સંભાળશે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. 53 વર્ષીય અબજોપતિનું લંડનમાં પોલો રમતી વખતે હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયુ હતું.
સફળ બિઝનેસમેન પાસે અઢળક સંપત્તિ
2022માં ફોર્બ્સની યાદીમાં જોડાનારા સંજય કપૂર એક સફળ બિઝનેસમેન હતાં. તેઓ 2015થી સોના કોમસ્ટારના ચેરમેન હતાં. તેમના નિધનના સમાચાર મળતાં જ શુક્રવારે સોના કોમસ્ટારનો શેર 7 ટકા તૂટ્યો હતો. રોકાણકારો પણ અસમંજસમાં મુકાયા છે કે, હવે કંપનીની બાગડોર કોણ સંભાળશે? સંજય કપૂરની પર્સનલ નેટવર્થ રૂ. 10300 કરોડ (1.2 અબજ ડોલર) છે. ફોર્બ્સ અનુસાર, 2022થી 2024 દરમિયાન તેમની સંપત્તિ વધી રૂ. 13000 કરોડ થઈ હતી. આ સિવાય તેમની કંપનીની માર્કેટ વેલ્યૂ રૂ. 31000 કરોડ છે.
શું તેમની બહેન સંભાળશે સુકાન?
કંપનીએ હાલમાં જ આ મામલે નિવેદન આપ્યું હતું કે, કંપની તેમના વિઝન, મૂલ્યો, નિપુણતાના વારસાને આગળ ધપાવશે. અમે ગ્રાહકો, અમારા બિઝનેસ પાર્ટનર્સ, કર્મચારીઓ અને શેરધારકોને ખાતરી આપીએ છીએ કે, અમે તેમના વારસાને વેગ આપતાં કંપનીનું સંચાલન કરીશું. જો કે, સોના કોમસ્ટારના આગામી કર્તાધર્તા કોણ હશે, તેની સ્પષ્ટતા કંપનીએ આપી નથી. અહેવાલો અનુસાર, કંપની બોર્ડ સમગ્ર સંચાલન સંભાળી શકે છે. અથવા તેમની બહેન કંપનીમાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે.
સંજય કપૂરની સંપત્તિ કોને મળશે
કાનૂની ઉત્તરાધિકારના ધોરણો મુજબ, તેમની મિલકતનું સંચાલન તેમની પત્ની પ્રિયા સચદેવને સોંપવામાં આવ્યું છે. જો કે, સંજય કપૂરે કરિશ્મા કપૂર સાથેના બાળકો સમાયરા (20) અને કિયાન (14) માટે અગાઉથી જ નાણાકીય જોગવાઈઓ સુરક્ષિત કરી લીધી હતી. તેમના માટે રૂ. 14 કરોડના બોન્ડ અલગ ફાળવ્યા છે, જેમાં બંને બાળકોને દર મહિને રૂ. 10 લાખનું ભથ્થું મળવાના પણ અહેવાલ છે. કરિશ્મા સાથે છૂટાછેડા બાદ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન થકી તેમને છ વર્ષનો પુત્ર અઝારિયાસ છે. તેમજ પ્રિયાની પહેલા લગ્ન થકીની પુત્રી સફિરા ચટવાલને પણ સંજય કપૂરે જ દત્તક લીધી હતી. જો કે, હાલ સોના કોમસ્ટારની બિઝનેસ કામગીરીમાં કોઈ પણ બાળક સામેલ નથી.
સંજય કપૂરનું અંગત જીવન ચર્ચાસ્પદ
સંજય કપૂરનું અંગત જીવન ચર્ચાસ્પદ રહ્યું છે. તેમણે 1996માં સૌથી પહેલા લગ્ન ડિઝાઈનર નંદિતા મહેતાની સાથે કર્યા હતાં. 2000માં તેની સાથે છૂટાછેડા લીધા બાદ 2003માં બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે લગ્ન તાંતણે બંધાયા હતા. આ લગ્ન જીવન પણ લાંબુ ચાલ્યુ ન હતું. બંને 2016માં છૂટા થયા હતા. કરિશ્મા કપૂરે પતિ પર ઘરેલુ અત્યાચારના આરોપો મૂક્યા હતા. જો કે, સંજય કપૂરને તેના બાળકો પ્રત્યે લાગણી હોવાથી તેણે તેમના માટે નાણાકીય જોગવાઈઓ કરી હતી. કરિશ્માને છૂટાછેડા બાદ સંજય કપૂરે રૂ. 14 કરોડના બોન્ડ તેમજ ખારમાં ઘર આપ્યું હતું.








