''18 માર્ચે અમે મળ્યા હતા, તે મુલાકાત છેલ્લી હશે તેની કલ્પના નહતી''
- રીશી કપૂરના ખાસ મિત્ર રાકેશ રોશનને આઘાત
- ''અબ મેં મેરે યાર કો કબ મિલ શકુંગા''
અમદાવાદ, તા.30 એપ્રિલ 2020, ગુરુવાર
રીશી કપુર અને રાકેશ રોશનની મિત્રતા ફિલ્મ ઉદ્યોગમાં ઉદાહરણરૂપ મનાતી હતી. રીશીના અવસાનના સમાચાર સાંભળી ભારે આઘાતમાં સરકી ગયેલા રાકેશ રોશને મીડિયાને જણાવ્યું હતું કે, ''હું છેલ્લે રીશી કપુરને ૧૮ માર્ચે મળ્યો હતો ત્યારે મને ખબર નહોતી કે આ અમારા બંને વચ્ચેની છેલ્લી મુલાકાત હશે. તે ખૂબ જ ખુશ જણાતો હતો અમે સાથે ડ્રીંક લીધું હતું અને જૂની યાદો તાજી કરી હતી. જેમ મિત્રો વચ્ચે બનતું જ હોય છે તેમ અમારા વચ્ચે હસી-મજાક અને કોઇ મુદ્દે દલીલો પણ થઈ. મારે માટે એ વાસ્તવિકતા સ્વીકારવી કઠીન પડકારરૂપ બનશે કે રીશી હવે આ દુનિયામાં નથી.''
બંને વચ્ચેની છેલ્લી મુલાકાત વખતે રીશીએ રાકેશ રોશનને કહ્યું હતું કે, ''યાર, ગલતી કર દી શાયદ યે પિક્ચર શૂટ કરને દિલ્હી નહીં જાના ચાહિયેથા. તુમ લોગોને મના ભી કિયા થા લેકિન, મૈનેં બાત સુની નહીં ખામ અ ખા ચલા ગયા.''
રાકેશ રોશનને એમ જણાવ્યું કે અમે બંને કેન્સરની સામે સાથે ઝઝૂમતા હતા. તેને કેન્સર છે તે નિદાન સપ્ટેમ્બર ૨૦૧૮માં અને મને ડિસેમ્બરમાં થયું. તે ચાલ્યો ગયો. ''અબ મેં મેરે યાર કો કબ મિલ શકુંગા'' તે બાળક જેવો નિર્દોષ અને નિર્મળ હૃદયનો ઇન્સાન હતો.