36 વર્ષ મોટા અમિતાભની માતાનો રોલ ઓફર થયો હતો, અભિનેત્રીએ કહ્યું ‘મને લાગ્યું કે કારકિર્દી ખતમ!’
Vidya Balan on Film 'Paa': બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ વિદ્યા બાલને તાજેતરમાં જ પોતાના કરિયરના સૌથી પડકારજનક અનુભવોમાંથી એકનો ખુલાસો કર્યો. વિદ્યા ઓગસ્ટ મહિનામાં બોલિવૂડમાં 20 વર્ષ પૂરા કરશે. એવામાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું કે જ્યારે દિગ્દર્શક આર બાલ્કીએ તેમને આ ભૂમિકા ઓફર કરી ત્યારે તે ચોંકી ગઈ. વિદ્યા બાલને 2009માં આવેલી ફિલ્મ 'પા'માં 36 વર્ષ મોટા અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા ભજવવાની હતી.
36 વર્ષ મોટા અમિતાભની માતાની ભૂમિકા
આ ઘટના ત્યારની છે જ્યારે વિદ્યા બાલનને ફિલ્મ 'પા'ની ઓફર મળી હતી. તે સમયે કોઈપણ એક્ટ્રેસ માટે 'પા' ફિલ્મમાં આ રોલ પસંદ કરવો સરળ નહતો. ફિલ્મમાં એક્ટ્રેસે અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા ભજવવાની હતી, તેમજ પિતાની ભૂમિકા અભિષેક બચ્ચન ભજવી રહ્યો હતો. આ ભૂમિકા ભજવીને વિદ્યાએ પોતાની કારકિર્દીને એક નવો વળાંક આપ્યો હતો.
વિદ્યા બાલનને ફિલ્મ 'પા' ની ઓફર મળી
એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું કે કેવી રીતે તેણે ફિલ્મ 'પા' માં અમિતાભ બચ્ચનની માતાનું પાત્ર ભજવવાનું જોખમ લીધું હતું, જે તે સમયે આ નિર્ણય વિવાદાસ્પદ પણ માનવામાં આવતો હતો.
વિદ્યા બાલને કહ્યું, 'જ્યારે દિગ્દર્શક આર બાલ્કીએ તમને આ ભૂમિકા ઓફર કરી ત્યારે હું ચોંકી ગઈ. મને લાગ્યું કે આર બાલ્કીનું મગજ ખરાબ થઈ ગયું છે. આર બાલ્કીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે હું અને અભિષેક અમિતાભ બચ્ચનના માતાપિતાની ભૂમિકા ભજવીએ. મને ખરેખર પહેલીવારમાં આ વિચાર વાહિયાત લાગ્યો. પરંતુ પછી તેમણે મને 'પા'ની સ્ક્રિપ્ટ સંભળાવી અને મારામાં કંઈક બદલાઈ ગયું. હું વારંવાર તેના વિશે વિચારી રહી હતી અને મારી અંદરનો અભિનેતા મને કહી રહ્યો હતો કે, આ કરવું જોઈએ. પણ હું ડરેલી હતી.'
'પા'ને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો
વિદ્યા બાલને આગળ કહ્યું કે, 'બધાએ મને ચેતવણી આપી હતી કે મોટી ઉંમરની મહિલાની ભૂમિકા ભજવવાથી મારી કારકિર્દી ખતમ થઈ જશે. પરંતુ મેં તે મારા એક મિત્ર કે જેઓ લેખક અને એડ ફિલ્મ નિર્માતા છે, તેમની સલાહ લીધી અને તેમણે કહ્યું કે મારે આ કરવું જોઈએ. પછી મેં લોકોનો અવાજ સાંભળવાનું બંધ કરી દીધું અને મારી જાતને સાંભળવાનું શરૂ કર્યું. મેં પહેલા પણ ફિલ્મો કરી હતી, જે મને ગમતી નહોતી અને તેમ છતાં તે સફળ રહી હતી.'
આ પણ વાંચો: 'દયાબેન' ફરી તારક મહેતામાં કરશે 'એન્ટ્રી'?, જુઓ તેમના ભાઈનો જવાબ
ફિલ્મ 'પા'માં વિદ્યા બાલન, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કામની પ્રશંસા થઈ હતી. તેને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેમજ અમિતાભે પણ બેસ્ટ એક્ટર તરીકે નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો.
વિદ્યા બાલન છેલ્લે ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' માં જોવા મળી હતી. તેમાં તેની સાથે કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત હતા. આ ફિલ્મ દર્શકોને ખૂબ ગમી હતી.