ટીવી કલાકાર માનસ શાહે આર્થિક તંગીને કારણે પોતાની કાર વેંચવી પડી
- તેણે ભાડુ ભરવાની સ્થિતિ ન હોવાથી ઘર પણ ખાલી કરી નાખ્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 31 મે 2020, રવિવાર
લોકડાઉનના કારણે દરેક ક્ષેત્રના લોકો આર્થિક સંકટ ભોગવી રહ્યા છે. મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહેલા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તેઓ પોતાના ઘર અને પરિવારથી દૂર મુંબઇમાં ભાડાના મકાનમાં રહીને કામ કરતા હોય છે. પરંતુ હાલ શૂટિંગ બંધ હોવાથી તેમને કામ નથી મળી રહ્યું તેમજ તેમના લેણા નીકળતા રૂપિયા પણ નથી મળી રહ્યા.
ટચૂકડા પડદાના કલાકાર માન શાહ, પણ આવી જ તંગીમાંથી પસાર થઇ રહ્યો છે. તેણે પૈસાની તંગની કારણે પોતાની કાર વેંચવી પડી છે.તેણે કહ્યું હતું કે, મારે આ નિર્ણય મજબૂરીથી લેવો પડયો છે. હું હમારી બહુ સિલ્ક સીરિયલમાં કામ કરતો હતો જેના માટે અમને પગાર ચુકવવામાં આવ્યો નથી.
મારા જીવનમાં આવી આર્થિક તંગીનો સામનો હું પ્રથમ વખત કરી રહ્યો છે. મારે ગુજરાન ચલાવા માટે મારી કાર વેંચવી પડી છે. તેમજ મુંબઇના લોખંડવાલા વિસ્તારમાં હું ભાડાના ઘરમાં રહેતો હતો તે પણ મેં ખાલી કરી નાખ્યું છે અને મારા પિતરાઇ ભાઇ સાથે હું રહેવા જતો રહ્યો છું.
અમે ૨ મે ૨૦૧૯થી આ સીરિયલનું શૂટિંગ કર્યું હતું અને ૫ નવેમ્બરે છેલ્લું શૂટિંગ હતું. અમને ફક્ત મે ૨૦૧૯નો જ પગાર આપવામાં આવ્યો છે. તે પણ છેક ઓકટોબર ૨૦૧૯ના આપ્યો હતો આ પછી અમને એક પાઇ પણ મળી નથી.
મારા માતા-પિતા અમારા વતન અમદાવાદમાં રહે છે. પિતાએ બેન્કમાં નોકરી કરી હતી અને હવે રિટાયર્ડ થઇ ગયા છે. તેમની જવાબદારી પણ મારા પર છે.