સુશાંત સિંહની જેમ આ સેલેબ્રિટીઝે પણ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહ્યુ હતુ
મુંબઇ, તા. 15 જૂન 2020, સોમવાર
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે મુંબઇના બાંદ્રા સ્થિત પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આત્મહત્યા કેમ કરી તે હજુ સુધી સ્પષ્ટ જાણી શકાયું નથી. સુશાંત સિંહ રાજપુતે બોલીવુડમાં કેટલીય શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. માત્ર સુશાંત સિંહ રાજપુતે જ નહીં બોલીવુડના કેટલાય કલાકારો છે જેમણે આત્મહત્યા કરીને પોતાના જીવનને અલવિદા કર્યુ છે. જાણો એવા કેટલાક કલાકારો કે જેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.
1. જિયા ખાન :
બોલીવુડમાં જિયા ખાનની એન્ટ્રી ઘણી ધમાકેદાર રહી હતી. તેમણે શરૂઆતમાં જ અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા દિગ્ગજ અભિનેતા સાથે 'નિશબ્દ' અને 'ગજની' જેવી ફિલ્મમાં અભિનય કર્યો હતો. પરંતુ તેના કરિયરની શરૂઆત બાદ વર્ષ 2013માં તેનો મૃતદેહ તેના ઘરમાંથી જ મળ્યો હતો. મરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. અભિનેતા આદિત્ય પંચોલીના દિકરા સૂરજ પંચોલી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે જિયાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. માત્ર 25 વર્ષની ઉંમરે જિયા ખાને આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહ્યુ હતું.
2. પ્રત્યુષા બેનર્જી :
ટીવી સીરીયલની જાણિતી અભિનેત્રીમાંથી એક પ્રત્યુષા બેનર્જીએ પણ વર્ષ 2016માં આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષા બેનર્જી 'બાલિકા વધૂ', 'હમ હે ના' અને 'રક્ત સંબંધ' જેવી ટીવી સીરિયલ્સમાં જોવા મળી હતી. તેણે મુંબઇ સ્થિત પોતાના ઘરમાં જ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
3. રવિશંકર આલોક
રવિશંકર આલોક બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઇટર હતા. રવિશંકર આલોકે નાના પાટેકરની ફિલ્મ 'અબ તક છપ્પન' માટે પણ કામ કર્યુ હતું. તેમણે એક બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. રવિશંકરના ભાઇનું કહેવું હતું કે તેઓ લાંબા સમયથી કામ ન મળવાને કારણે ડિપ્રેશનમાં હતા.
4. રાહુલ દીક્ષિત
નાના પડદાના જાણિતા અભિનેતા રાહુલ દીક્ષિતે ગત વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. 28 વર્ષીય રાહુલ મુંબઇમાં રહેતા હતા. તેમની લાશ ફાંસીના ફંદે લટકતી મળી હતી.
5. ગુરુદત્ત
પચાસ અને 60ના દશકમાં સિનેમા જગતના જાણિતા અભિનેતા ગુરુદત્તના અવસાને પણ દેશને ચોંકાવી દીધો હતો. તેઓ ઉત્તમ ફિલ્મ ડાયરેક્ટર ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતા તરીકે પણ લોકપ્રિય હતા. ઑક્ટોબર 1964માં મુંબઇના પેડ્ડર રોડ વિસ્તાર સ્થિત તેમના એપાર્ટમેન્ટમાં તેમનો મૃતદેહ મળ્યો હતો. જો તેમની મૃત્યુને લઇને સ્પષ્ટ જાણવા નથી મળ્યુ કે તેમણે આત્મહત્યા કરી હતી કે વધુ નશો કરી લેવાથી તેમનું મૃત્યુ થયું હતું.
6. મનમોહન દેસાઇ
હિન્દી ફિલ્મોમાં સફળ ફિલ્મકારોમાંથી એક માનવામાં આવતા મનમોહન દેસાઇએ કેટલીય કમર્શીયલ ફિલ્મ બનાવવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર તેમની કેટલીક સફળ ફિલ્મો હતી - અમર અકબર એન્થની, કૂલી અને મર્દ. વર્ષ 1979માં પોતાના પત્નીનું અવસાન થયું હતું. 1992માં તેઓ નંદા સાથેના રિલેશનશિપમાં આવ્યા જે તેમના અવસાન સુધી રહ્યું. મસાલા ફિલ્મ બનાવનાર મનમોહન દેસાઇની ફિલ્મોનો જાદૂ ઓછો થઇ રહ્યો હતો. માર્ચ 1994માં ગિરગાંવ સ્થિત તેમના ઘરે તેમનું અવસાન થયું હતું.
7. દિવ્યા ભારતી
બૉલીવુડની ચર્ચિત અભિનેત્રી દિવ્યા ભારતીનું અવસાન ઘણું શંકાસ્પદ હતું. 5 એપ્રિલ 1993માં તેમણે ઘરના પાંચમાં ફ્લોરથી કૂદીને પોતાની જાન આપી દીધી હતી. તે સમયે દિવ્યા ભારતીની ઉંમર 19 વર્ષ હતી. ત્યાં સુધીમાં તેમણે 14 ફિલ્મોમાં કામ કર્યુ હતું.
8. સિલ્ક સ્મિતા
સિલ્ક સ્મિતાના નામથી ઓળખાતી વિજયલક્ષ્મીએ પણ આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહ્યું. સિલ્ક સ્મિતા અનાથ હતી અને આંધ્ર પ્રદેશમાં એક મહિલાએ તેમને દત્તક લીધા હતા અને 16 વર્ષની ઉંમરમાં તેઓ મદ્રાસ શિફ્ટ થયા હતા. મેકઅપ આર્ટિસ્ટના રૂપમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનાર સિલ્ક સ્મિતાએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ. વર્ષ 1996માં 35 વર્ષની ઉંમરમાં તેમણે પોતાના ચેન્નઇના ઘરમાં જ આત્મહત્યા કરી હતી. તેમના આત્મહત્યા પાછળનું કારણ આજે પણ એક રહસ્ય છે.
9. રીમ કપાડિયા
રીમ કપાડિયા ડિમ્પલ કપાડિયાની સૌથી નાની બહેન હતી. કેટલીક હિન્દી ફિલ્મોમાં તેમણે કામ કર્યુ હતુ. તેમાંથી એક ફિલ્મ હવેલી પણ હતી, જેમાં તેઓ રાકેશ રોશન અને માર્ક જુબૈર સાથે પડદા પર જોવા મળ્યા હતા. વર્ષ 2000માં લંડનમાં તેમનું મૃત શરીર મળ્યું હતું. માનવામાં આવે છે કે તેમણે આત્મહત્યા કરી હતી. પરંતુ તે વિશે કંઇક સ્પષ્ટ જાણવા મળ્યું ન હતું.
10. નફીસા જોસેફ
નફીસા જોસેફ 'ફેમિના મિસ ઇન્ડિયા યૂનિવર્સ 1997'ના વિજેતા રહી ચુક્યા છે. મૉડલિંગ્સ સાથે જ તેમણે ટીવી પ્રોગ્રામ્સ પણ હોસ્ટ કર્યા છે. પરંતુ 29 જુલાઇ 2004ના રોજ નફીસાએ પોતાનું જીવન ખતમ કરી લીધું હતું. કહેવામાં આવે છે કે નફીસા એક બિઝનેસ સાથે રિલેશનશિપમાં હતી અને બંને લગ્ન કરવાના હતા પરંતુ લગ્ન પહેલા તેના મંગેતર પરણિત છે તે વિશે જાણવા મળ્યું હતું. નફીસાએ બ્રેકઅપ કર્યું પરંતુ ત્યારબાદ તેમણે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું.
11. કુલજીત રંધાવા
કુલજીત રંધાવા નફીસા જોસેફના બેસ્ટફ્રેન્ડ હતી. નફીસાના અવસાનથી તે ખૂબ જ દુખી હતી. ફેબ્રુઆરી 2006માં બધુ જ ઠીક ચાલી રહ્યું હતું. કુલજીત રંધાવાએ ફિલ્મ બાઇ ચાન્સનું શૂટિંગ ખતમ કર્યુ હતું અને સ્ટાર વનની સીરિયલ સ્પેશિયલ સ્કૉવોડમાં પણ તેમને લીડ રોલ મળ્યો હતો. પોતાના સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે તે લાઇફના પ્રેશરના કારણે પોતાનું જીવન ખતમ કરી રહી છે.
12. કુશલ પંજાબી
એક્ટર કુશલ પંજાબીએ ગત વર્ષે ડિસેમ્બરમાં મુંબઇમાં આત્મહત્યા કરી લીધી હતી. તેઓ 'સલામ-એ-ઇશ્ક'માં પ્રિયંકા ચોપડા સાથે કામ કરી ચુક્યા હતા. આ ઉપરાંત વર્ષ 2004માં ફિલ્મ લક્ષ્ય અને 2005માં 'કાલ'માં પણ અભિનય કરી ચુક્યા છે. આ ઉપરાંત ટીવી શો પણ તેમણે કર્યા હતા.
13. વિવેકા બાબાજી
વિવેકા બાબાજી મોડલિંગ અને એક્ટિંગની ફીલ્ડમાં એક્ટિવ હોવાની સાથે જ એન્કરિંગના ફીલ્ડમાં પણ એક્ટિવ હતા. તેમણે 25 જૂન 2010ના રોજ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ અનુસાર, વિવેકાએ પોતાની ડાયરીમાં અંતિમ શબ્દો લખ્યા હતા કે 'તુમને મુઝે માર દિયા ગૌતમ વોહરા'. કહેવામાં આવે છે કે પોતાના બોયફ્રેન્ડ ગૌતમ સાથેના અનબન અને ખરાબ સંબંધના કારણે વિવેકા ડિપ્રેશનમાં હતા. જેના કારણે તેમણે આત્મહત્યા કરીને પોતાનું જીવન ખતમ કરી દીધું હતું.
14. દિશા ગાંગુલી
9 એપ્રિલ 2015 ના રોજ બંગાળી ટીવી એક્ટ્રેસ દિશા ગાંગુલીનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો હતો. તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેમની સેમ સેક્સ રિલેશનશિપમાં હોવા વિશેના કેટલાય રિપોર્ટ્સ સામે આવ્યા હતા, જેનાથી તે ઘણી ડિપ્રેશ થવા લાગી હતી.. તે સમયે તે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો પ્લાન કરી રહી હતી. એવામાં તેની મોતને પરિવારની સાથે કેટલાય લોકોને ચોંકાવી દીધા હતા.