દોસ્તાના ટૂમાં જાહ્નવીને સ્થાને પણ શ્રી લીલા ગોઠવાય તેવી સંભાવના

- કાર્તિકનું સ્થાન વિક્રાંત મૈસી લઈ રહ્યો છે
- સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર બદલાશે પરંતુ ફિલ્મની વાર્તામાં ખાસ ફેરફાર નહિ થાય
મુંબઇ : 'દોસ્તાના ટૂ'માં કાર્તિક આર્યનને બદલે વિક્રાંત મૈસીને સાઈન કરાયાની ચર્ચાઓ વચ્ચે હવે નવું અપડેટ એ છે કે આ ફિલ્મમાં મૂળ હિરોઈન જાહ્નવી કપૂરને સ્થાને સાઉથની શ્રીલીલા ગોઠવાઈ રહી છે.
જાહ્વવી અને કાર્તિક વચ્ચેના મતભેદો બાદ કરણ જોહરે કાર્તિકને આ ફિલ્મમાંથી કાઢી મૂક્યો હતો અને આ પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો. હવે તેણે આ પ્રોજેક્ટ નવેસરથી હાથ ધર્યો છે. તેમાં તે સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર પણ બદલી રહ્યો છે. જોકે, ફિલ્મની વાર્તામાં ખાસ ફેરફારો થવાના નથી. શ્રીલીલા બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો મેળવી રહી છે. 'પુષ્પા ટૂ'નાં આઈટમ સોંગ બાદ સમગ્ર દેશમાં તેની લોકપ્રિયતા વધી ગઈ છે. જોકે, હજુ સુધી તેણે કોઈ દમદાર રોલમાં પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરવાની બાકી છે.

