Entertainment

બુંદિયાળ સાબિત થયેલું કાંતારા ચેપ્ટર વનનું શૂટિંગ આખરે પૂર્ણ

By GS TEAM
23 Jul 20251 min read
બુંદિયાળ સાબિત થયેલું કાંતારા ચેપ્ટર વનનું શૂટિંગ આખરે પૂર્ણ

- ઋષભ શેટ્ટી સહિતની ટીમને હાશકારો

- શૂટિંગ દરમિયાન એકથી વધુ કલાકારોનાં મોત થતા અન્ય દુર્ઘટનાઓનો સિલસિલો  

મુંબઇ : ઋષભ શેટ્ટીની 'કાંતારા ચેપ્ટર વન'નું ભારે બુંદિયાળ સાબિત થયેલું શૂટિંગ આખરે પૂર્ણ થયું છે. શૂટિંગ પૂર્ણ થતાં ઋષભ સહિતની સમગ્ર ટીમે હાશકારો અનુભવ્યો છે. 

આ ફિલ્મનાં શૂટિંગ વખતે અજબ રીતે એક પછી એક કરુણ ઘટનાઓ સર્જાતી રહી હતી. ફિલ્મનો એક કલાકાર હોડી પલ્ટી જતાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો તો અન્ય બે કલાકારનાં કાર્ડિઆક એરેસ્ટથી મૃત્યુ નીપજ્યાં હતાં. 

એકવાર શૂટિંગની સમગ્ર ટીમની બોટ મણિ  જળાશયમાં ઉંધી વળી જતાં ઋષભ સહિતના ક્રૂ મેમ્બર્સ ડૂબી જતાં બચ્યા હતા. એકવાર ફિલ્મની ટીમને લઈ જતી બસને અકસ્માત નડતાં અનેક કલાકારો તથા ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા.

ફિલ્મની ટીમ પરવાનગી વિના જંગલમાં શૂટિંગના કાનૂની વિવાદમાં પણ ફસાઈ હતી. 

 આ બધાં કારણોસર વારંવાર ફિલ્મનું શૂટિંગ શિડયૂલ ખોરવાતું રહ્યું હતું અને પ્રોડક્શન કોસ્ટ પણ વધી ગઈ હતી. મૂળ 'કાંતારા' ફિલ્મ હિટ થયા પછી તેની પ્રીકવલ તરીકે આ ફિલ્મ બનાવાઈ રહી છે. 

ઋષભ શેટ્ટી જ ફિલ્મમાં મુખ્ય કલાકાર સાથે દિગ્દર્શનની પણ જવાબદારી સંભાળી  રહ્યો છે. ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે.