બોબી દેઓલની ફિલ્મ બેકાર લાગતાં રીલીઝનો ઈનકાર
Updated: Nov 21st, 2023
- ઓટીટી પ્લેટફોર્મે ફિલ્મ નકારી કાઢી
- પેન્ટ હાઉસ ફિલ્મ પ્લેટફોર્મનાં વૈશ્વિક સ્ટાન્ડર્ડને અનુરુપ નહીં હોવાનું જણાવ્યું
મુંબઇ : બોબી દેઓલની ફિલ્મ 'પેન્ટહાઉસ'ને રીલીઝ કરવાનો એક ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ઈનકાર કરી દેવાયો છે. આ ફિલ્મ પ્લેટફોર્મનાં વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રમાણે બની નથી તેથી તેને રીલીઝ નહીં કરાય એમ આ પ્લેટફોર્મ દ્વારા જણાવાયું હોવાનું કહેવાય છે.
બોબી દેઓલની ફિલ્મ 'પેન્ટહાઉસ' એક સાઇકોલોજિકલ થ્રિલર છે. આ સીરીઝની વાર્તા છ પાત્રોની આસપાસ ફરે છે.
જોકે, તૈયાર ફિલ્મ જોયા બાદ ઓટીટીની ટીમને લાગ્યું છે કે આ ફિલ્મ તેનાં ઓડિયન્સને આકર્ષી શકે તેમ નથી. આથી તેણે રીલીઝનો ઈનકાર કરી દેતાં હાલ આ ફિલ્મ અટકી પડી છે.
ભારતમાં લોકડાઉન સમયે પાંગરેલાં ઓટીટી પ્લેટફોર્મ બેકાર કન્ટેન્ટ પાછળ કરોડો રુપિયા ઉડાડયા બાદ હવે ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યાં છે. અનેક પ્રોજેક્ટસ અટકાવી દેવાયા છે, કેટલાય પ્રોજેક્ટસના બજેટ ઘટાડી દેવાયાં છે. અગાઉ કોઈ મોટું નામ સંકળાયેલું હોય તેવી ફિલ્મને બેફામ ભાવે ખરીદી લેવાતી હતી પરંતુ હવે તો મોટાભાગના કેસોમાં પહેલાં આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ કરવા અને ત્યાં જે વકરો થાય તેના આધારે ભાવતાવ કરવા જણાવાય છે.