દીપિકા પદુકોણ અને શાહરૂખ ખાનની જોડી ફરી રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા
- યશરાજ ફિલ્મસ સાથેની ફિલ્મ માટે વાતચીત ચાલી રહી હોવાના અણસાર
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.21 જુલાઈ 2020, મંગળવાર
હજી એક-બે દિવસ પહેલા જ જાણવા મળ્યું હતુ ંકે યશરાજ ફિલ્મસે વિકી કૌશલને એક કોમેડી ફિલ્મ માટે સાઇન કર્યો છે. હવે વળી અન્ય એક સમાચાર છે કે, યશરાજ ફિલ્મસ સાથે દીપિકા પદુકોણની વાતચીત થઇ રહી છે.
જાણકારીના અનુસાર દીપિકાએ હજી સુધી યશરાજ ફિલ્મસની ફિલ્મ સાઇન કરી નથી અને હજી આ પ્રોજેક્ટ પર વાટાઘાટ ચાલુ છે. કહેવાય છે કે, આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત કરવાના છે. જેમણે વોર ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. ફિલ્મની વાતચીત દીપિકા સાથે લોકડાઉન પહેલાથી જ ચાલી રહી હતી. હવે દીપિકાની પ્રભાસ સાથેની ફિલ્મની વાત આવી હોવાથી યશરાજ ફિલ્મસે દીપિકા સાથે પોતાની ફિલ્મ માટે વાત આગળ વધારી છે.
જોકે આ ફિલ્મમાં દીપિકા સાથે ક્યો અભિનેતા કામ કરશે તે વિશે હજી જાણવા મળ્યું નથી. કહેવાય છે કે, સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાનમાંથી એક હશે. જોકે સૌથી વધુ આગળ શાહરૂખનું નામ ચાલી રહ્યું છે. જો આમ થશે તો શાહરૂખ અને દીપિકા ફરી રૂપેરી પડદે સાથે જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે આ જોડીએ ચેન્નઇ એક્સપ્રેસ, બિલુ, હેપ્પી ન્યુ યર અને ઓમ શાંતિ ઓમમાં સાથે કામ કર્યું છે.