Get The App

ધ લાયન કિંગ ફેમ અભિનેત્રીનું નિધન, બોયફ્રેન્ડ પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાની આશંકા

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
Imani Dia Smith Stabbed to Death


Imani Dia Smith Stabbed to Death: હોલિવૂડ અને બ્રોડવેની જાણીતી બાળ કલાકાર અને ડિઝનીની 'ધ લાયન કિંગ'માં 'યંગ નાલા'નું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનાર ઈમાની દિયા સ્મિથની કરુણ હત્યા કરવામાં આવી છે. માત્ર 25 વર્ષની વયે ઈમાની પર તેના જ બોયફ્રેન્ડ દ્વારા ચપ્પુના અનેક ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે.

બોયફ્રેન્ડની ધરપકડ અને ગંભીર આરોપો

અહેવાલો અનુસાર, 21 ડિસેમ્બરે સવારે 9:18 વાગ્યે પોલીસને 911 પર એક કોલ મળ્યો હતો, જેમાં કોઈના પર ચપ્પુથી હુમલો થયો હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ મામલે તપાસ કર્યા બાદ પોલીસે ઈમાનીના 35 વર્ષીય બોયફ્રેન્ડ જોર્ડન ડી. જેક્સન-સ્મોલની ધરપકડ કરી લીધી છે. તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર (હત્યા), સેકન્ડ-ડિગ્રીમાં બાળકની સુરક્ષા જોખમમાં મૂકવી અને ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સ્મિથ અને જેક્સન-સ્મોલ એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા, એટલે આ કોઈ અચાનક બનેલી હિંસક ઘટના નહોતી, પરંતુ તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોઈ શકે છે.

ત્રણ વર્ષનો પુત્ર નોંધારો બન્યો

ઈમાની તેના પરિવારમાં કમાણી કરનાર એકમાત્ર વ્યક્તિ હતી. તેના નિધન બાદ તેનો 3 વર્ષનો પુત્ર, માતા-પિતા અને બે ભાઈ-બહેન નિરાધાર બન્યા છે. હાલમાં તેનો પુત્ર તેની માસી પાસે છે. ઈમાનીની માસી કીરા હેલ્પરના જણાવ્યા મુજબ, ઈમાની એક અત્યંત પ્રતિભાશાળી કલાકાર હતી.

આ પણ વાંચો: ધુરંધર બોક્સ ઓફિસ કલેક્શન: વધુ 2 ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો, રૂ.1000 કરોડને નજીક પહોંચ્યો કમાણીનો આંકડો

પરિવારની મદદ માટે ફંડ રેઝરની શરૂઆત

ઈમાનીના પરિવારને આર્થિક ટેકો આપવા માટે 'GoFundMe' પેજ દ્વારા ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, બુધવાર સુધીમાં આ કેમ્પેઈન દ્વારા $46,000 (અંદાજે 38 લાખ રૂપિયા)થી વધુની રકમ એકઠી કરવામાં આવી છે. હોલિવૂડના કલાકારો અને તેના ચાહકો આ દુ:ખદ અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

ધ લાયન કિંગ ફેમ અભિનેત્રીનું નિધન, બોયફ્રેન્ડ પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાની આશંકા 2 - image