Prashant Tamang Death: ઇન્ડિયન આઈડલ સીઝન 3ના વિજેતા અને ફેનસ સિંગર-એક્ટર પ્રશાંત તમાંગે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમનું 11 જાન્યુઆરીએ 43 વર્ષની વયે અચાનક નિધન થઈ ગયુ હતું. તેમના નિધનના સમાચારથી માત્ર તેમના ચાહકોને જ નહીં પરંતુ સમગ્ર મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને મોટો આઘાત લાગ્યો છે. પ્રશાંતના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર ભાત-ભાતની વાતો થઈ રહી છે. કેટલાક લોકો તેને રહસ્યમય ગણાવી રહ્યા હતા તો કેટલાક લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં પ્રશાંતની પત્ની માર્થા એલીએ સ્પષ્ટ કર્યું છે કે, 'સિંગરનું મૃત્યુ સંપૂર્ણપણે કુદરતી હતું. તેમણે કહ્યું છે કે, પ્રશાંતનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયુ હતું. આમાં કોઈ ષડયંત્ર કે રહસ્ય જેવી કોઈ બાબત નથી.'
ઊંઘમાં જ મૃત્યુ થઈ જવું એ કોઈ નવી વાત નથી અને પ્રશાંત તામાંગનો કિસ્સો એકલો નથી. દુનિયાભરમાં એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકો સૂતા-સૂતા જ દુનિયાને અલવિદા કહી દે છે. આ જ કારણ છે કે આવી ઘટનાઓ બાદ લોકોના એક જ સવાલ ઉઠે છે કે, આખરે કોઈ વ્યક્તિ ઊંઘમાં કેવી રીતે મૃત્યુ પામી શકે? તેનું કારણ શું છે?
દુનિયાભરમાં એવા અસંખ્ય લોકો છે જે રાત્રે શાંતિથી સૂઈ જાય છે અને પછી સવારે ઉઠતા જ નથી. કોઈ વ્યક્તિનું ઊંઘમાં મૃત્યુ પામવું એ લોકોને એટલા માટે પણ ચોંકાવનારું લાગે છે, કારણ કે દરેક વ્યક્તિ ઊંઘને આરામ અને શાંતિ સાથે જોડે છે. ખાસ કરીને જ્યારે કોઈ યુવાન અને સ્વસ્થ દેખાતી વ્યક્તિ આ રીતે દુનિયાને અલવિદા કહી દે છે, ત્યારે આ સવાલ ઉભો થવો સ્વાભાવિક છે. પરંતુ સત્ય એ છે કે ઘણા લોકો ઊંઘમાં જ મૃત્યુ પામે છે.
શું ઊંઘમાં મૃત્યુ પામવું સામાન્ય બાબત છે?
હેલ્થ એક્સપર્ટસનું માનીએ તો તમે તમારા જીવનનો લગભગ એક તૃતીયાંશ ભાગ ઊંઘમાં વિતાવો છો, તેથી આ સમય દરમિયાન મૃત્યુ પામવું એ કોઈ અનોખી બાબત નથી. વૃદ્ધો અથવા બીમાર લોકોના કિસ્સામાં વધુ સવાલો નથી ઊભા થતા પરંતુ જ્યારે 40-45 વર્ષની વ્યક્તિ અચાનક મૃત્યુ પામે છે, ત્યારે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર મેડિકલ તપાસમાં પણ મૃત્યુનું સ્પષ્ટ કારણ સામે નથી આવતું.
સૂતી વખતે હૃદય પર કેમ જોખમ વધે છે?
ડોકટર્સ અને રિસર્ચ પ્રમાણે ઊંઘ દરમિયાન ખાસ કરીને REM સ્લીપ (ઊંઘનો એ તબક્કો જેમાં દિમાગ એક્ટિવ રહે છે અને સપના આવે છે. આ દરમિયાન આંખો ઝડપથી હલે છે, પરંતુ શરીરના સ્નાયુઓ આરામ કરે છે). આ સમય દરમિયાન હૃદય પર વધુ દબાણ આવે છે. આ દરમિયાન હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરમાં ફેરફાર થાય છે. ક્યારેક હૃદયના ધબકારા અચાનક અનિયમિત થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ખુદને સંભાળવાની તક નથી મળતી અને અચાનક મૃત્યુ થઈ જાય છે, જેની તેમને ખુદને પણ જાણ નથી હોતી.
સવારે 3:00 થી 4:00 વાગ્યાનો સમય કેમ ખતરનાક માનવામાં આવે છે?
કેટલાક રિસર્ચ પ્રમાણે સવારે 3:00 થી 4:00 વાગ્યા સુધીનો સમય શરીર માટે સૌથી નાજુક માનવામાં આવે છે. આ સમય દરમિયાન શરીરના ઘણા મહત્વપૂર્ણ હોર્મોન્સ તેમના સૌથી નીચા સ્તરે હોય છે અને હૃદય અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આ જ કારણ છે કે આ સમય દરમિયાન લોકો ઘણીવાર ઊંઘમાં જ મૃત્યુ પામે છે.
ઘણા કિસ્સાઓમાં પોસ્ટમોર્ટમ પછી પણ મૃત્યુનું ચોક્કસ કારણ સામે નથી આવતું. ત્યારે ડેથ સર્ટિફિકેટમાં 'નેચરલ ડેથ' અથવા 'કાર્ડિયો-રેસ્પિરેટરી' જેવા શબ્દો લખવામાં આવે છે.
ડોક્ટરોના મતે ઊંઘ દરમિયાન મૃત્યુનું સૌથી સામાન્ય કારણ અચાનક કાર્ડિયાક અરેસ્ટને માનવામાં આવે છે. સૂતા-સૂતા વ્યક્તિનું હૃદય અચાનક ધબકતું બંધ થઈ જાય છે અને જો તાત્કાલિક મેડિકલ મદદ ન મળે તો મિનિટોની અંદર મૃત્યુ થઈ શકે છે. રાત્રે સૂતી વખતે જોખમ વધારે હોય છે, કારણ કે સૂતી વ્યક્તિ અને તેની આસપાસના લોકો ઘણીવાર પરિસ્થિતિથી અજાણ હોય છે અને મદદ કરવા માટે કોઈ ઉપલબ્ધ નથી હોતું.
હાર્ટ એટેક, અનિયમિત ધબકારા, હાર્ટ ફેલિયર અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ કાર્ડિયાક અરેસ્ટને જન્મ આપે છે. ક્યારેક હૃદયના ધબકારા એટલા ઝડપી અથવા એટલા ધીમા થઈ જાય છે કે શરીરને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન નથી મળી શકતું.
હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદય સુધી લોહી પહોંચાડતી નસમાં અવરોધ આવી જાય છે. છાતીમાં દુ:ખાવો, પરસેવો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, મૂંઝવણ વગેરે લક્ષણો આમાં સામેલ છે. પરંતુ વ્યક્તિ ઊંઘતી વખતે આ સંકેતોને સમયસર સમજી શકતી નથી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. કેટલાક કિસ્સાઓમાં હાર્ટ એટેક એટલો ગંભીર હોય છે કે શ્વાસ લેવાની સિસ્ટમ જ કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે તાત્કાલિક મૃત્યુ થઈ જાય છે.
હાર્ટ ઉપરાંત કયા કારણોસર ઊંઘમાં જ મોત થઈ જાય છે?
1 હાર્ટ ફેલિયર
હાર્ટ ફેલિયરમાં હૃદય આખા શરીરમાં લોહીને યોગ્ય રીતે પંપ કરવામાં અસમર્થ હોય છે. સમય જતાં ફેફસાંમાં પાણી ભરાવા લાગે છે, પગ અને શરીરમાં સોજો આવે છે, અને શ્વાસ લેવામાં વધુને વધુ મુશ્કેલી પડે છે. જો સ્થિતિ વધુ ખરાબ થાય છે, તો ઊંઘ દરમિયાન શ્વાસ બંધ થઈ શકે છે અને મૃત્યુ થઈ શકે છે.
2. સ્ટ્રોક
જો સ્ટ્રોક મગજના તે ભાગને અસર કરે છે જે શ્વાસ અને ચેતનાને કંટ્રોલ કરે છે, તો વ્યક્તિનો જીવ જઈ છે. હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ ધરાવતા લોકોમાં જોખમ વધારે રહે છે. ક્યારેક ઊંઘ દરમિયાન સ્ટ્રોક આવે છે અને સવાર સુધી તેની જાણ જ નથી થતી.
3. શ્વાસ સબંધિત બીમારીઓ
જ્યારે ફેફસાં યોગ્ય રીતે કામ નથી કરતા, ત્યારે શરીરમાં ઓક્સિજનનો અભાવ અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે. આ સ્થિતિ જીવલેણ બની શકે છે. અસ્થમા, સીઓપીડી, ફેફસાના રોગો અથવા સ્નાયુઓ સંબંધિત ન્યુરોલોજીકલ સમસ્યાઓ ઊંઘમાં શ્વાસ બંધ થવાનું કારણ બની શકે છે.
4. ટાઈપ 1 ડાયાબિટીસમાં ડેડ-ઈન-બેડ સિન્ડ્રોમ
ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા કેટલાક યુવાનો ઊંઘમાં મૃત્યુ પામે છે, જેને ડેડ-ઇન-બેડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે બ્લડ સુગરમાં અચાનક ઘટાડો થવાથી એટેક આવી શકે છે અથવા મૃત્યુ થઈ શકે છે. સૂતી વખતે બ્લડ સુગર લેવલ પર ધ્યાન રાખવું મુશ્કેલ બની જાય છે જેના કારણે જોખમ વધી જાય છે.
5. કાર્બન મોનોક્સાઈડ
જો ગેસ લીકેજ અથવા નબળા વેન્ટિલેશનને કારણે તમારા ઘરમાં કાર્બન મોનોક્સાઇડ જમા થઈ જાય તો તે કોઈના ધ્યાન બહાર શરીરમાં જતો રહે છે. તેમાંથી ગંધ આવતી નથી, તેથી તે અંગે જાણ પણ નથી થતી. સૂતી વ્યક્તિને એહસાસ પણ ન થાય, અને તે થોડીવારમાં ગૂંગળામણ થવા લાગે છે.
6. દવાઓ અને નશાનો ઓવરડોઝ
કેટલીક દવાઓ અને નશીલા પદાર્થો દિમાગના એ ભાગને દબાવી દે છે જે શ્વાસને કંટ્રોલ કરે છે. વધુ પડતી માત્રામાં દવા લેવી અથવા શરાબ સાથે દવા લેવું અત્યંત ખતરનાક બની શકે છે. ક્યારેક, વ્યક્તિ ઊંઘમાં જ શ્વાસ લેવાનું બંધ કરી દે છે.
7. માથાની ઈજા
ક્યારેક માથાની ઈજા પણ ઊંઘમાં મૃત્યુનું કારણ બની શકે છે. વાસ્તવમાં માથામાં ઈજાના લક્ષણો તરત જ નથી દેખાતા. પરંતુ ઊંઘમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને મૃત્યુ થઈ શકે છે. આ જ કારણ છે કે ડોકટરો માથામાં ઈજા થયા પછી દેખરેખ રાખવાની સલાહ આપે છે.
8. દમ ઘૂંટવો
જો કોઈ વ્યક્તિ શરાબના નશામાં ઉલટી કરે, અથવા મોંમાં કંઈક રાખીને સૂઈ જાય તો દમ ઘૂંટવાનું જોખમ રહેલું છે. સ્લીપ એપનિયા જેવી સમસ્યાઓમાં આ જોખમ વધી જાય છે.
આ પણ વાંચો: સિંગર-એકટર પ્રશાંત તમાંગનું ફક્ત 43 વર્ષની વયે નિધનઃ ચાહકો શોકમાં
9. સ્લીપ એપનિયા
સ્લીપ એપનિયા એક એવી સ્થિતિ છે જેમાં ઊંઘ દરમિયાન વારંવાર શ્વાસ બંધ થઈ જાય છે. આ સમસ્યા હાર્ટ એટેક, સ્ટ્રોક અને ધબકારામાં ગડબડને વધારી શકે છે. જો યોગ્ય સારવાર ન મળે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
10. મિર્ગી
સામાન્ય વ્યક્તિઓ કરતાં મિર્ગી (વાઈ)ના દર્દીઓમાં અચાનક મૃત્યુનું જોખમ વધુ હોય છે. તેને SUDEP કહેવાય છે. ઘણી વાર આ મોત રાત્રે થાય છે અને તે હૃદય અથવા શ્વસન સબંધિત સમસ્યાઓને કારણે હોવાનું માનવામાં આવે છે.


