સુશાંતની ફિલ્મ 'છીછોરે'માં વર્ણવી હતી જીવન સંઘર્ષની વાત, પણ સુશાંતે જ...
કાશ.... સુશાંતે છેલ્લા દિવસોમાં 'છીછોરે' જોઈ લીધી હોત તો આપણે એક ઉભરતો કલાકાર ન ગુમાવેત
મુંબઈ, તા. 14 જૂન 2020, રવિવાર
બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ઘરે પંખા સાથે લટકીને જીવન ટૂંકાવી દેતા સમગ્ર બોલિવુડ અને તેમના ચાહક વર્ગમાં ભારે શોક વ્યાપ્યો છે. માત્ર 34 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દેનારા સુશાંતે આખરે કયા કારણસર આત્મહત્યા કરવી પડી તે હજુ એક રહસ્ય છે. ત્યારે સુશાંતની જ કોલેજ લાઈફ સ્ટોરી દર્શાવતી એક ફિલ્મ 'છીછોરે' યાદ આવી જાય છે જેમાં આત્મહત્યાના વિચારો ખંખેરીને જીવનમાં કઈ રીતે આગળ વધવું તે દર્શાવવામાં આવ્યું હતું.
આપણા બાળકોને જીવનમાં નિષ્ફળતાના પાઠ ભણાવવા પણ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું બનતું હોય છેકે કોઈ ફિલ્મનું ટ્રેલર તમને ફિલ્મની એક જ બાજુથી પરિચિત કરાવે છે પરંતુ જ્યારે તમે આખી ફિલ્મ જુઓ ત્યારે કશુંક અલગ જ સામે આવતું હોય છે. આવા સમયે જો ટ્રેલરના કારણે જન્મેલી આશા નિરાશામાં પરિવર્તિત ન થાય તો તમને ટ્રેલરના પ્રમાણમાં ફિલ્મ એક સુખદ આંચકો આપનારી બની રહે છે.
સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરૂણ શર્મા, નવીન પોલિશેટ્ટી, તુષાર પાંડે, સહર્ષ કુમાર શર્મા અને તાહિર રાજ ભસીન વગેરે કલાકારોને ચમકાવતી ફિલ્મ છીછોરેના કેસમાં પણ ટ્રેલર અને ફિલ્મ સાવ અલગ હતા. આ ફિલ્મ અનિરૂદ્ધ (સુશાંત) અને તેની એક્સ વાઈફ માયા (શ્રદ્ધા)ના જીવનની કથા છે. તેમનો દીકરો રાઘવ જેઈઈની પ્રવેશ પરીક્ષામાં અસફળ થાય છે જેથી પોતાની જાતને 'લૂઝર' માનીને બિલ્ડિંગ પરથી કૂદી જાય છે. ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ડોક્ટર્સના કહેવા પ્રમાણે તે પોતે જીવવા નથી માંગતો માટે કોઈ દવા તેના પર અસર નથી કરી રહી.
તે સમયે અનિરૂદ્ધ રાઘવને પોતાની હોસ્ટેલ લાઈફમાં જે ઘટનાઓ બની હતી તે સંભળાવવાનો નિર્ણય લે છે. તે પોતાના જૂના મિત્રો સેક્સા (વરૂણ), એસિડ (નવીન), મમ્મી (તુષાર), બેવડા (સહર્ષ) અને ડેરેક (તાહિર)ને પણ બોલાવી લે છે. ત્યાર બાદ બધા સાથે મળીને રાઘવને હોસ્પિટલમાં કઈ રીતે તેમની હોસ્ટેલ એચ-4માં રહેતા વિદ્યાર્થીઓને એચ-3ના વિદ્યાર્થીઓ લૂઝર કહીને ચીડવતા હતા કેમકે રમત પર આધારીત જનરલ ચેમ્પિયનશીપમાં તેમની હોસ્ટેલ કદી નહોતી જીતી તેની વાત કરે છે.
આ રીતે તેઓ રાઘવને અસફળતા સામે ઝઝુમતા અને જીવનને પ્રેમ કરતા, આત્મહત્યાના વિચારો ખંખેરી જીવનમાં આગળ વધતા શીખવે છે. આ ફિલ્મ એક પરીક્ષામાં પાછળ રહી જવું તે જીવનનો ઉદ્દેશ્ય નષ્ટ પામ્યો તેમ નથી તેવો સંદેશો આપે છે. ત્યારે સુશાંતે ભરેલા આ પગલાથી એક સવાલ જરૂર થાય છે કે શા માટે તેણે 'છીછોરે' ના જોઈ લીધી?