ફરી ફસાયો સમય રૈના, હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી કહ્યું- હાજર થાઓ નહીંતર કડક કાર્યવાહી કરીશું
Samay Raina New Controversy: પ્રખ્યાત યુટ્યુબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે સમય રૈના સહિત અન્ય પાંચ ઇન્ફ્લુએન્સરને નોટિસ ફટકારી છે. ક્યોર એસએમએ ઈન્ડિયા ફાઉન્ડેશન નામના NGO ની અરજી પર આ નિર્દેશ આપવામાં આવ્યો છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ઇન્ફ્લુએન્સરે અપંગ વ્યક્તિઓની મજાક ઉડાવી છે.
આ દુર્લભ બીમારીની ઉડાવી મજાક
NGO એ સમય રૈના પર સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (એસએમએ) ની ખર્ચાળ સારવાર વિશે અસંવેદનશીલ ટિપ્પણી કરવાનો અને એક અપંગ વ્યક્તિની મજાક ઉડાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે આવા ઓનલાઈન કન્ટેન્ટના પ્રસારણ પર નિયમન હોવું જોઈએ જે દિવ્યાંગ વ્યક્તિઓના જીવન અને ગૌરવના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
પાંચ ઇન્ફ્લુએન્સરને કોર્ટમાં હાજર થવા આદેશ
કોટીશ્વર સિંહની બેન્ચે મુંબઈ પોલીસ કમિશનરને સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠાકર ઉર્ફે સોનાલી આદિત્ય દેસાઈ અને નિશાંત જગદીશ તંવરને સુનાવણીની આગામી તારીખે કોર્ટમાં હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટમાં હાજર નહીં થાય તો કરવામાં આવશે કડક કાર્યવાહી
આ આરોપ બાદ, ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે મુંબઈ પોલીસ કમિશનરને આ પાંચ ઇન્ફ્લુએન્સરને નોટિસ જારી કરવા અને તેમને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવાનો આદેશ આપ્યો. બેન્ચે એમ પણ કહ્યું કે જો તે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારને પણ આ કેસમાં પક્ષકાર બનાવી
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ આ કેસમાં પક્ષકાર બનાવી અને ભારત સરકાર, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન અને ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશનને નોટિસ ફટકારી.
અસંવેદનશીલ ટિપ્પણીઓ પર સુધારાત્મક પગલાં માટે માંગ્યા સૂચન
કોર્ટે અરજદારના વકીલ પાસેથી સૂચનો પણ માંગ્યા કે આવા કિસ્સાઓમાં અસંવેદનશીલ ટિપ્પણીઓ માટે કયા સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાંની ભલામણ કરી શકાય.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 'આવી ટિપ્પણીઓ દિવ્યાંગોના ઉત્થાન અને તેમના સામાજિક સમાવેશ માટે લેવામાં આવતા કાયદાકીય પગલાં માટે હાનિકારક છે. કોઇપણ ભાષણ જો કોઈપણ સમુદાયને અપમાનિત કરવાના હેતુથી હોય તો અમે તેના પર પ્રતિબંધ મુકીશું.'
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાને કોણે દુઃખી કરી? ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ચર્ચા છંછેડાઈ
મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા લોકોની જવાબદારી મહત્ત્વપૂર્ણ
આ બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, 'સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા લોકોની જવાબદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.' કોર્ટે તેને 'હાનિકારક' અને 'નિરાશાજનક' વર્તન ગણાવ્યું અને કહ્યું કે, 'તે પહેલાથી જ સંવેદનશીલ પરિસ્થિતિઓમાં જીવતા લોકોને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
લાખો લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડે
બેન્ચે કહ્યું, 'આવા કૃત્યો માત્ર સામાજિક સંવેદનાઓની વિરુદ્ધ નથી, પરંતુ લાખો લોકોના આત્મસન્માનને પણ ઠેસ પહોંચાડે છે જેઓ તેમની શારીરિક મર્યાદાઓ હોવા છતાં સમાજમાં ગૌરવ સાથે જીવવા માંગે છે. અમને લાગે છે કે આમાં કેટલીક દંડાત્મક અને સુધારાત્મક કાર્યવાહી જરૂરી છે.'