Get The App

સુપ્રીમ કોર્ટમાં હાજર થયા સમય રૈના સહિત 5 ઈન્ફ્લુએન્સર, બે સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
Social Media Influencers Samay Raina


Social Media Influencers Samay Raina: દિવ્યાંગો અને ગંભીર શારીરિક સમસ્યાઓથી પીડિત લોકોની મજાક ઉડાવતા વીડિયોના મામલે સુપ્રીમ કોર્ટે ઈન્ફ્લુએન્સર સમય રૈના સહિત પાંચ લોકોને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર મંગળવારે (15 જુલાઈ, 2025) સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવર વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે તમામ પક્ષોને જવાબ આપવાનો મોકો આપતા સુનાવણી ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખી છે.

સમય રૈના સહિત 5 ઈન્ફ્લુએન્સર સુપ્રીમ કોર્ટમાં હાજર થયા

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સોનાલી ઠક્કરને આગામી સુનાવણીમાં વર્ચ્યુઅલ હાજરી આપવાની મંજૂરી આપી છે. બાકીના તમામને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવું પડશે. સુનાવણી દરમિયાન પાંચેય તરફથી કહેવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ કોઈ સીધી અરજી દાખલ કરવામાં આવી નથી. આના પર જજએ કહ્યું કે, 'કોર્ટે બધાને સમન્સ પાઠવ્યા છે અને બધાએ હાજર રહેવું પડશે, તેમાં દલીલ કરવાને કોઈ સ્થાન નથી.'

શારીરિક સમસ્યાઓથી પીડિત લોકોની મજાક ઉડાવી

અગાઉ 5 મેના રોજ થયેલી સુનાવણીમાં સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની સમસ્યાના દર્દીઓને મદદ કરતી સંસ્થા 'ક્યોર એસએમએ'એ સમય રૈના અને વિપુલ ગોયલના કેટલાક વીડિયોની ફરિયાદ કરી હતી. સંસ્થા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે જણાવ્યું હતું કે, 'આ લોકોએ ગંભીર શારીરિક સમસ્યાઓથી પીડિત લોકોની મજાક ઉડાવી છે.'

આ પણ વાંચો: બોલિવૂડ-ટેલિવિઝન જગતના જાણીતા ડિરેક્ટર ધીરજ કુમારનું નિધન, આ બીમારીએ લીધો ભોગ

સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે આ પ્રકારની મજાકને અસંવેદનશીલ ગણાવીને સખત ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, 'કોઈની પણ મજાક ઉડાવવી અને તેને નીચો પાડવો યોગ્ય કહી શકાય નહીં. આ બધું અમારી દ્રષ્ટિએ હેટ સ્પીચ (નફરત ફેલાવતા ભાષણ) કહી શકાય છે, અને તેને કેવી રીતે પહોંચી વળવું એ અમે જાણીએ છીએ.' 

બે અઠવાડિયામાં જવાબ આપવા સૂચનાઓ

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે બે અઠવાડિયામાં પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે અને જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાથી વધુ સમય આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર વતી એટર્ની જનરલ આર વેંકટરામણીને સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. આ સાથે તેમને સોશિયલ મીડિયા માર્ગદર્શિકા તૈયાર કરવામાં મદદ કરવા પણ કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'માર્ગદર્શિકા તૈયાર કરતી વખતે, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતાના અધિકાર અને ફરજને પણ સંતુલિત કરવી જોઈએ. એક વ્યક્તિના વાણી સ્વતંત્રતાના અધિકારથી બીજા વ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન ન થવું જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં હાજર થયા સમય રૈના સહિત 5 ઈન્ફ્લુએન્સર, બે સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ 2 - image

Tags :