બોલિવૂડ-ટેલિવિઝન જગતના જાણીતા ડિરેક્ટર ધીરજ કુમારનું નિધન, આ બીમારીએ લીધો ભોગ
Actor Director Dheeraj Kumar Dies: ભારતીય ફિલ્મ અને ટીવી ઉદ્યોગના જાણીતા અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારને સોમવારે મુંબઈના અંધેરી સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધીરજ કુમારને ન્યુમોનિયાનો ગંભીર ઇન્ફેકશન થઈ ગયું હતું અને તેના કારણે તેમની તબિયત ખૂબ જ નાજુક હતી અને તેમની બચાવી શકાયા નથી.
જાણીતા ડિરેક્ટર ધીરજ કુમારનું નિધન થયું
ધીરજ કુમારના પરિવારના જણાવ્યા અનુસાર, તેમને ન્યુમોનિયાના કારણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં ICUમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આશા હતી કે તેઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફરશે, પરંતુ તમામ પ્રયાસો છતાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો નહીં. ધીરજ કુમારના પરિવારે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતાનું ધ્યાન રાખવા વિનંતી કરી છે.
તાજેતરમાં, ધીરજે નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં સ્થિત ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે સનાતન ધર્મને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સમય દરમિયાન, તેઓ એકદમ સ્વસ્થ દેખાતા હતા. તેમને જોઈને, કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓ આજે આપણી વચ્ચે નહીં હોય.
ટેલેન્ટ શો દ્વારા એન્ટ્રી થઈ હતી
ધીરજ કુમારે 1965માં એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેઓ એક ટેલેન્ટ શોના ફાઇનલિસ્ટ હતા, જેમાં સુભાષ ઘાઈ અને રાજેશ ખન્ના પણ તેમની સાથે હતા. રાજેશ ખન્ના તે શોના વિજેતા બન્યા હતા. તેમણે 1970 થી 1984 દરમિયાન 21 પંજાબી ફિલ્મોમાં પોતાનો જોરદાર અભિનય બતાવ્યો હતો. ત્યારબાદ તેમણે 'હીરા પન્ના', 'રાતો કા રાજા', 'સરગમ', 'બહરૂપિયા', 'રોટી કપડા ઔર મકાન' સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો: રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણસાલી વચ્ચે થયો વિવાદ? મિત્રતા તૂટી હોવાની અટકળો
ફિલ્મો ઉપરાંત, તેમણે ટેલિવિઝનની દુનિયામાં પણ ઉત્તમ કામ કર્યું છે. તેમણે દર્શકોને 'ઓમ નમઃ શિવાય', 'કહાં ગયે વો લોગ', 'અદાલત', 'યે પ્યાર ના હોગા કમ', 'સિંહાસન બત્તીસી' અને 'માયકા' જેવા લોકપ્રિય શો આપ્યા છે.
રિયાલિટી શો દ્વારા મનોરંજન ઉદ્યોગનો ભાગ બનેલા ધીરજ કુમારે 'ક્રિએટિવ આઈ' નામની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી હતી. તેઓ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા.