ધર્મેન્દ્રની તબિયત સ્થિર, હેમા માલિનીએ કહ્યું- હું હારી જઈશ તો જવાબદારી કોણ નિભાવશે?

Dharmendra Health Updates: બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રને બુધવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને બોબી દેઓલ ઘરે લઈ ગયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરિવારે અભિનેતાની તબિયત સ્થિર અને પહેલા કરતા સારી હોવાની સત્તાવાર જાણ કરી છે, પરંતુ હેમા માલિનીએ સ્વીકાર્યું છે કે તેમના માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ મુશ્કેલ રહ્યા છે. તેમજ સની દેઓલ પણ મીડિયા પર ભડક્યો હતો જેનો એક વીડિયો સામે આવ્યો છે.
હું હારી જઈશ તો જવાબદારી કોણ નિભાવશે?: હેમા માલિની
હેમા માલિનીએ સુભાષ કે ઝાને આપેલા ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે વાત કરી. તેમણે કહ્યું કે, 'મારા માટે આ સમય સરળ નથી. ધરમજીનું સ્વાસ્થ્ય અમારા બધા માટે ખૂબ મોટી ચિંતાનો વિષય છે. તેમના બાળકો ઊંઘ્યા નથી. હું નબળી પડું કે હારી જઈ શકું તેમ નથી. ઘણી જવાબદારીઓ છે, પરંતુ હું ખુશ છું કે તેઓ ઘરે પાછા આવી ગયા છે. તેઓ હોસ્પિટલમાંથી બહાર છે, એ જાણીને અમારી ચિંતા ઓછી થઈ છે. તેમને તેમના પ્રેમ કરનારા લોકોની આસપાસ રહેવાની જરૂર છે. બાકી તો બધું ઉપરવાળાના હાથમાં છે.'
સનીએ મીડિયાને કહ્યું- તમને શરમ નથી આવતી!
સની દેઓલે ઘરમાંથી બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન એક્ટરે જોયું કે સામે ઊભેલા ફોટોગ્રાફર્સ તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ હરકત પર સની દેઓલ ભડક્યો. અભિનેતાએ હાથ જોડીને પેપ્સને કહ્યું, 'તમને લોકોને શરમ આવવી જોઈએ. તમારા ઘરમાં પણ મા-બાપ છે, બાળકો છે અને તમે વીડિયો બનાવ્યે જ જાવ છો. શરમ નથી આવતી!'
આ પણ વાંચો: દિલ્હી વિસ્ફોટોને પગલે કોકટેલ ટુનું શૂટિંગ રદ કરવું પડયું
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ધર્મેન્દ્રના નિધનની અફવાઓ ફેલાઈ હતી, જે પછી હેમા માલિનીએ પોસ્ટ શેર કરીને બધાને ફટકાર લગાવી હતી. તેમણે લખ્યું હતું કે, 'જે થઈ રહ્યું છે તે માફ કરવા યોગ્ય નથી! જવાબદાર ચેનલો કેવી રીતે એવા વ્યક્તિ વિશે ખોટા સમાચાર ફેલાવી શકે છે, જે સારીરીતે રિકવર કરી રહ્યા છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે? આ અત્યંત અયોગ્ય અને બેજવાબદાર વર્તન છે. કૃપા કરીને અમારી પ્રાઇવેસીનું સન્માન કરો.'

