Suniel Shetty Emotional: સુનિલ શેટ્ટી હાલમાં પોતાની કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ પોતાના દીકરાની આગામી ફિલ્મ બોર્ડર 2ને લઈને ચર્ચામાં છે. વર્ષ 1997માં જ્યારે 'બોર્ડર' રિલીઝ થઈ હતી, ત્યારે સુનિલ શેટ્ટીએ ભૈરવ સિંહની ભૂમિકા ભજવીને દરેક ભારતીયને ગર્વ અપાવ્યો હતો. હવે લગભગ 29 વર્ષ બાદ આ ઐતિહાસિક ફિલ્મની સિક્વલ 'બોર્ડર 2' રિલીઝ માટે તૈયાર છે અને આ ફિલ્મમાં તેનો દીકરો અહાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
12 જાન્યુઆરીના રોજ મુંબઈમાં ફિલ્મના ત્રીજા ગીત 'જાતે હુએ લમ્હો' ના લોન્ચિંગ ઈવેન્ટમાં સુનિલ શેટ્ટી પોતાના દીકરા અહાન શેટ્ટી સાથે પહોંચ્યો હતો અને ત્યાં તે રડી પડ્યો. આ સાથે જ તેણે પોતાની એક ઈચ્છા પણ જણાવી જે અધૂરી રહી ગઈ છે.
સુનિલ શેટ્ટીનો ઈમોશનલ વીડિયો વાઈરલ
બોર્ડર 2ના ઈવેન્ટ દરમિયાન અહાન શેટ્ટીને જવાનની વર્દીમાં જોઈને સુનીલ શેટ્ટી રડી પડ્યો. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે, 'આટલી મોટી ફિલ્મનો ભાગ બનવું એ એક મોટી જવાબદારી છે. જ્યારે અહાન આ ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે મેં તેને માત્ર એક જ વાત કહી હતી કે, 'દીકરા, આ માત્ર એક અનુભવ નથી, આ એક એહસાસ છે.'
સુનિલ શેટ્ટીએ આગળ કહ્યું કે, જો આજે આપણો દેશ પ્રગતિ અને હિંમત માટે ઓળખાય છે, તો તેનો શ્રેય સરહદ પર તહેનાત બહાદુર સૈનિકો અને ઓફિસરોને જાય છે. તેણે સેનાના જવાનોનો આંસુઓથી આભાર માન્યો અને અહાનને કહ્યું કે, તું જે પણ કામ કરે, તેને પૂરા દિલથી કર.
અધૂરી રહી ગઈ આ ઈચ્છા
મંચ પર જ્યારે સુનિલ શેટ્ટીએ પોતાની જૂની ફિલ્મ 'બોર્ડર'ના પ્રખ્યાત 'શક્તિ મા' વાળા ડાયલોગનું પુનરાવર્તન કર્યું, ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ અવસર પણ તેણે ફિલ્મ મેકર નિધિ દત્તાના પણ ખૂબ વખાણ કર્યા. સુનિલે કહ્યું કે, 'નિધિ મારી નાની દીકરી જેવી છે. તેણે આટલી મોટી ફિલ્મ લખી, તેને બનાવી અને અહાનને તેમાં તક આપી, આ કોઈ નાની વાત નથી. કાશ હું પણ આ ફિલ્મનો હિસ્સો હોત, જો હું મૃત્યુ ન પામ્યો હોત તો.'
શું જૂના કલાકારો પણ નજર આવશે?
ફિલ્મ અંગે સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે શું જૂની 'બોર્ડર'ની સ્ટારકાસ્ટ ફરીથી દેખાશે? અહેવાલો પ્રમાણે સુનિલ શેટ્ટી, અક્ષય ખન્ના અને સુદેશ બેરીનો ફિલ્મમાં એક સ્પેશિયસ કેમિયો હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના જવાનીના કેટલાક ફ્લેશબેક સીન બતાવવામાં આવશે, જેનું શૂટિંગ આ સ્ટાર્સે પહેલાથી જ પૂર્ણ કરી લીધું છે.
આ પણ વાંચો: VIDEO: પંજાબી સિંગરને ડેટ કરી રહી છે દિશા પટની? 'મિસ્ટ્રી બોય' સાથેનો વીડિયો વાઈરલ
અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત 'બોર્ડર 2'માં સની દેઓલ વરુણ ધવન અને દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થશે. અહાન શેટ્ટી માટે આ ફિલ્મ તેના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.


