ફિલ્મ સેટ પર સ્ટંટમેનના મોત મામલે પોલીસ એક્શન મોડમાં, ડિરેક્ટર સહિત ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધાયો
Stuntman SM Raju Death: સાઉથ સિનેમાની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રખ્યાત સ્ટંટમેન એસએમ રાજુના દુ:ખદ મૃત્યુના સમાચાર સામે આવતા તમિલ ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. આ અકસ્માત અભિનેતા આર્ય અને દિગ્દર્શક પા. રંજીતની ફિલ્મના સેટ પર થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસમાં ફિલ્મ ડિરેક્ટર પા. રંજીત અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધાયો
પ્રારંભિક તપાસ બાદ પા. રંજીત, સ્ટંટ કોરિયોગ્રાફર રાજકમલ, નીલમ પ્રોડક્શન્સ અને અન્ય એક વ્યક્તિ પ્રભાકરન સામે ભારતીય દંડ સંહિતાની કલમ 194 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે હવે તેને વધુ કડક બનાવી દીધી છે. હવે આરોપીઓ પર કલમ 289 (બેદરકારીભર્યું પગલું), કલમ 125 (ગુના માટે ઉશ્કેરણી) અને કલમ 106 (1) (હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે મામલો?
ડિરેક્ટર પા. રંજીત તમિલનાડુના નાગપટ્ટિનમમાં તેની નવી ફિલ્મ 'વેટટૂવમ'ની શૂટિંગ કરી રહ્યો હતો. સેટ પર સ્ટંટ કરતાં એક મોટી ઘટના બની, જેમાં સ્ટંટમેનનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ એવા સમાચાર મળ્યા કે સ્ટંટમેનને હાર્ટઅટેક આવ્યો છે પણ હવે સેટ પરથી એક વીડિયો સામે આવ્યા બાદ સ્પષ્ટ થયું કે તેનું મોત એક જોખમી સ્ટંટ કરતાં સમયે થયું છે.
સ્ટંટમેન રાજુ ઉર્ફે મોહનરાજ એક SUV ગાડી ચલાવી રહ્યો હતો, જે રેમ્પથી પસાર થઈ અને પછી પલટી ગઈ. ગાડી સીધી નીચે પડી અને ગાડીના આગળનો ભાગ જોરથી જમીન સાથે ટક્કરાયો. વીડિયોમાં જોઈ શકાય છે કે રાજુને ગાડીથી બહાર કાઢવામાં આવ્યો. આ ઘટના રવિવારે(13 જુલાઈ 2025)ના રોજ થઈ હતી. આ ઘટના બાદ તેને તાત્કાલિક નાગપટ્ટિનમ સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.