સાઉથની ફિલ્મના સ્ટંટમેનનું કાર સ્ટંટ કરવા જતાં મોત

- તમિલ ફિલ્મ વેટ્ટુવનના શૂટિંગ વખતે દુર્ઘટના
- સમગ્ર યુનિટની નજર સામે ઉછળીને પટકાયેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો
મુંબઇ : તમિલ ફિલ્મ 'વેટ્ટિયન'નાં શૂટિંગ વખતે કાર સ્ટન્ટ પરફોર્મ કરવા જતાં કાર સ્ટન્ટ મેન એસ.વી. રાજુનું મોત નીપજ્યું હતું. ફિલ્મની સમગ્ર ટીમની નજર સામે જ કાર ઉછળીને પટકાઈ હતી. તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કાર નીચે દબાયેલા સ્ટન્ટ મેનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. તેમાં જોવા મળે છે કે રાજુ પુરપાટ ઝડપે કાર દોડાવી રહ્યો છે અને તેને કુદાવવાનો સ્ટન્ટ કરે છે. આ એક કન્ટ્રોલ્ડ સ્ટન્ટ હતો પરંતુ કમનસીબે તે સાચૂકલી દુર્ઘટનામાં પલ્ટાઈ ગયો હતો.
થોડા સમય માટે તો ટીમે રાહ જોઈ હતી કે કદાચ કારમાંથી રાજુ બહાર આવશે. પરંતુ, તેમાં વિલંબ થતાં તેમને ખ્યાલ આવ્યો હતો કે કશુંક અજુગતું બન્યું છે. તરત બધા કાર તરફ દોડયા હતા. પરંતુ, અંદરથી રાજુ મૃત્યુ પામેલી હાલતમાં જ મળ્યો હતો. રાજુ એક પીઢ સ્ટન્ટ મેન ગણાતો હતો અને તેણે અનેક તમિલ ફિલ્મોમાં એક્શન દ્રશ્યો ભજવ્યાં હતાં.








