સૂરજ બડજાત્યા આગામી ફિલ્મની ઘોષણા નવેમ્બરમાં કરે તેવી શક્યતા

- આ ફિલ્મ સલમાન ખાન સાથે હોવાની અટકળ
મુંબઇ : સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મની ઘોષણા નવેમ્બર મહિનામાં કરે તેવી શક્યતા છે. તેની આ ફિલ્મ સલમાન ખાન સાથે હોવાની અટકળો થઇ રહી છે. સૂરજ બડજાત્યાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, અમેજલદી જ અમારી ફિલ્મની ઘોષણા કરવાના છીએ, કદાચ નવેમ્બર મહિનામાં એ શક્ય હોઇ શકે. આ ફિલ્મમાં એક જાણીતો લોકપ્રિય અભિનેતા હશે, જોકે અમે આ વિશે હાલ વધારે જણાવી શકીએ એમ નથી. આ એક પારિવારિક ડ્રામા અને પ્રેમ કહાણી હશે.
થોડા સમય પહેલા સૂરજ બડજાત્યાએ સલમાન ખાન સાથે ફરી કામ કરવા અંગે ચૂપકીદી તોડતાં કહ્યું હતું કે, સલમાન ખાન સાથે કામ કરવાની ઇચ્છા છે, પરંતુ તેની વયને ધ્યાનમાં રાખીને યોગ્ય વાર્તા પણ જરૂરી હોવાથી થોડો સમય લાગશે.
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાની જોડીએ ભૂતકાળમાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેણે સલમાનને પોતાની ફિલ્મમાં પ્રેમના પાત્રમાં દર્શાવ્યો હતો.જેમાં મેંને પ્યાર કિયા, હમ આપકે હૈ કોન, હમ સાથ સાથ હૈ, પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મોનો સમાવેશ છે.
હવે સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ પણ સલમાન ખાન સાથેની પ્રેમના પાત્રમાં હશે તેવી અટકળો અને આશા અભિનેતાના પ્રશંસકો રાખી રહ્યા છે.









