સોનૂ સૂદ વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સ્વદેશ ભેગા કરશે
- આ ફ્લાઇટ 22 જુલાઇના કુર્ગિસ્તાનથી ઉપડશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.21 જુલાઈ 2020, મંગળવાર
કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં સોનૂ સૂદ પરપ્રાંતીયોનો મસીહા બન્યો હતો. તેણે હજારો મજૂરોને બસ,ટ્રેન અને ફ્લાઇટ દ્વારા ઘર ભેગા કર્યા હતા. હવે લોકડાઉન હળવો થયો હોવા છતાં પણ હજી સોનૂનું કામ અટક્યું નથી. હવે તે વિદેશમાં ભણી રહેલા અને ફસાયેલા વિદ્યાર્થીઓને સ્વદેશ લાવી રહ્યો છે.
સોનીએ સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતાં જણાવ્યું હતું કે, હું એક ચાર્ટર ફ્લાઇટ દ્વારા કુર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકથી ભારતીય વિદ્યાર્થિઓને ભારત પાછા લાવી રહ્યો છું. તેણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, કુર્ગીસ્તાનમાં રહેલા તમામ છાત્રોને સૂચિત કરવામાં આવે છે કે હવે તમારો ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે. અમે બિશ્કેક થી વારાણસીની પહેલી ચાર્ટર ફ્લાઇટ ૨૨ જુલાઇના ઉપાડશું. તમને તમારા ઇમેલ આઇડી અને મોબાઇલ ફોન પર થોડા સમયમાં જ આની જાણકારી આપવામાં આવશે. અન્ય રાજ્યો માટે પણ આ અઠવાડિયે ચાર્ટર ફ્લાઇટ ચલાવામાં આવશે.
સોનૂ તરફથી આ સમાચાર મળતાં જ સ્ટુડન્ટસ અને પેરન્ટસ ઇમોશનલ થઇ ગયા છે અને સોનૂ માટે દુવાઓ આપી રહ્યા છે.