કનિકા કપૂરે પરિવાર સાથે ચાની મજા માણતી તસવીર શેર કરી
- કનિકાનો ક્વૉરન્ટાઇન સમય પૂરો, પરિવાર સંગ ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે
નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2020, સોમવાર
બૉલીવુડ સિંગર કનિકા કપૂર કોરોના સામે જંગ જીતી ચૂકી છે. હૉસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યા બાદ કનિકા 14 દિવસ માટે ક્વોરન્ટાઇન રહી. હવે કનિકા કપૂર સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ચૂકી છે. રવિવારે કનિકા કપૂરે બેદરકારીના આરોપ પર સ્પષ્ટતા આપી હતી. હવે કનિકાએ ફેમિલી સાથે ચાની ચુસ્કી માણતો ફોટો શેર કર્યો છે.
તસવીરમાં કનિકા કપૂર પોતાના પરિવારના સભ્ય સાથે ચાની મજા માણતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા કનિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, તમારે બસ એક પ્યારી સ્માઇલ, દિલ અને એક ગરમ ચાના કપની જરૂર છે. કનિકા કપૂરની આ પોસ્ટને તેમના ચાહકોની ઘણી લાઇક્સ મળી રહી છે. કેટલાય યૂઝર્સ કનિકાના હાલચાલ પણ પૂછી રહ્યા છે.
કનિકા કપૂર તાજેતરમાં લખનૌમાં પોતાના પેરેન્ટ્સ સાથે છે. જ્યારે કનિકાના કોરોના પૉઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા ત્યારે તેમની ઉપર બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારથી કનિકા કપૂરને ટ્રોલ કરવામાં આવી. પરંતુ કનિકા કપૂરની સ્પષ્ટતા કર્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સનું તેમના તરફી વલણ બદલાયું અને તેમને સાવચેત રહેવા માટે કહ્યું.
કનિકા કપૂરે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું કે તે યૂકેથીથી મુંબઇ અને લખનૌ સુધી જે લોકોને મળી તેમનામાં કોરોના કોઇ લક્ષણ જોવા નથી મળ્યા. તે બધાનો રિપોર્ટ કોરોના નેગેટિવ હતો. કનિકા 10 માર્ચે યૂકેથી મુંબઇ આવી હતી. ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે તેમને ક્વૉરન્ટાઇન રહેવા માટેની કોઇ સલાહ આપવામાં નથી આવી.
11 માર્ચે તે પોતાના માતા-પિતાને મળવા માટે લખનૌ આવી ત્યારે એરપોર્ટ પર કોઇ પણ પ્રકારનું સ્ક્રિનિંગ થયું ન હતુ. કનિકાએ 14 અને 15 માર્ચે પોતાના મિત્રો સાથે લંચ પણ કર્યો હતો. 17 અને 18 માર્ચે થોડાક લક્ષણ જણાતા 19 માર્ચે ટેસ્ટ કરાયો ત્યારે કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી.