50 વર્ષ બાદ ફરી સિનેમામાં જોવા મળશે જય-વીરૂની જોડી, આ તારીખે ફરી રીલીઝ થશે 'શોલે'

Sholay The Final Cut Release Date Announced: 'શોલે' બોલિવૂડની આઈકોનિક ક્લાસિક ફિલ્મ છે. તેના ગીતથી લઈને પાત્રો અને ડાયલોગ્સ આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શાનદાર ફિલ્મ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. ત્યારે હવે યંગ જનરેશન પણ આ આઈકોનિક ફિલ્મને ફરીથી સિનેમામાં નવા અંદાજમાં જોઈ શકશે. 'શોલે'ના 50 વર્ષ પૂરા થવાની ખુશીમાં 'શોલે-ધ ફાઈનલ કટ' ના નામથી આ ફિલ્મ મોટા પડદા પર ફરીથી આવી રહી છે. તો ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારે થિયેટર્સમાં જોઈ શકશો.
'શોલે-ધ ફાઈનલ કટ' ક્યારે થશે રિલીઝ
'શોલે' ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહી છે. જોકે, આ વખતે આ ક્લાસિક ફિલ્મનો અંદાજ નવો છે. વાસ્તવમાં આ વખતે આ 'શોલે: ધ ફાઈનલ કટ' નામથી 4K વર્ઝનમાં રિલીઝ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે રમેશ સિપ્પીએ 'શોલે'ના 50 વર્ષ પૂરા થવાની ખુશીમાં તેને ઓરિજનલ અનકટ વર્ઝનમાં થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે, 1975માં આવેલી ફિલ્મ 'શોલે' માંથી જે સીન ડિલીટ કરી દેવામાં આવ્યા હતા તેને હવે 'શોલે: ધ ફાઈનલ કટ'માં જોઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે, મેકર્સે 'શોલે: ધ ફાઈનલ કટ'ની રિલીઝ રિલીઝ ડેટ જાહેર કરતા ઈન્સ્ટાગ્રામ પર તેનું પોસ્ટર પણ શેર કર્યું છે. જેમાં ઠાકુર અને ગબ્બરની ઝલક દેખાઈ રહી છે. આ સાથે જ પોસ્ટમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, 'શોલે: ધ ફાઈનલ કટ' 12 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા 4K અને ડોલ્બી 5.1માં રિસ્ટોર કરાયેલ ઓરિજનલ અનકટ વર્ઝનનો પ્રથમ વખત અનુભવ કરો.
ઓરિજનલ અનકટ એડિંગ જોઈ શકશે દર્શકો
આ રિલીઝને ઐતિહાસિક બનાવનારી બાબત એ છે કે, તેમાં ફિલ્મના ઓરિજનલ અનકટ એન્ડને ફરી બતાવવામાં આવ્યો છે. જે પાંચ દાયકામાં પહેલી વાર જાહેરમાં સ્ક્રીન પર બતાવવામાં આવશે. 1975માં રિલીઝ થયા પહેલાં ભારતમાં ઈમરજન્સી દરમિયાન લાદવામાં આવેલી કડક સેન્સરશીપને કારણે ક્લાઈમેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે, દર્શકો આખરે શોલેને બિલકુલ એ જ રીતે જોઈ શકશે જેવું દિગ્દર્શક રમેશ સિપ્પી ઈચ્છતા હતા.
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, હેમા માલિની, સંજીવ કુમાર અને અમજદ ખાન જેવા દમદાર કલાકારોથી સજેલી શોલે ભારતીય સિનેમાની માસ્ટર પીસમાંથી એક છે. જોકે, નવી ફિલ્મોએ તેના બોક્સ ઓફિસના આંકડાને વટાવી દીધા છે, પરંતુ તેમ છતાં તે હજુ પણ ભારતમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ હોવાનો રેકોર્ડ ધરાવે છે. બીજી તરફ 'શોલે: ધ ફાઈનલ કટ'ની રિલીઝ ડેટ જાહેર થયા બાદ ચાહકો ખૂબ જ એક્સાઈટેડ છે.

