શેખર કપૂરની દીકરી કાવેરી માસુમ ટૂ નહિ પણ એક લવ સ્ટોરીથી ડેબ્યૂ કરશે
- પહેલી ફિલ્મ સીધી ઓટીટી પર રજૂ થશે
- બોબી ઔર ઋષિ કી લવ સ્ટોરીમાં અમરીશ પુરીનો પૌત્ર વર્ધન તેનો હિરો હશે
મુંબઈ : શેખર કપૂર અને સુચિત્રા કૃષ્ણમૂર્તિની દીકરી કાવેરી શેખર કપૂરની ફિલ્મ 'માસુમ ટૂ'થી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે તેવી ચર્ચા હતી. જોકે, હવે એક જાહેરાત મુજબ તે 'બોબી ઔર ઋષિ કી લવ સ્ટોરી' ફિલ્મથી ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થવાની છે. ફિલ્મમાં અમરીશ પુરીનો પૌત્ર વર્ધન પુરી તેનો હિરો હશે
આ ફિલ્મનું દિગ્દર્શન કુણાલ કોહલી કરી રહ્યો છે. જોકે, કાવેરી માટે આ ફિલ્મ તદ્દન નવો અનુભવ પણ નથી. તે આ પહેલાં ચાર મ્યુઝિક વીડિયમાં કામ કરી ચૂકી છે. શેખર કપૂરે થોડા સમય પહેલાં જ પોતે 'માસુમ'નો બીજો ભાગ બનાવી રહ્યો હોવાની જાહેરાત કરી હતી.
શેખર કપૂરની મૂળ 'માસુમ' ફિલ્મમાં નસીરુદ્દિન શાહ તથા શબાના આઝમીએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકર તથા જુગલ હંસરાજે બાળ કલાકારો તરીકે ભૂમિકા ભજવી હતી.