For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવી ગયું મિતાલી રાજની બાયોપિક 'શાબાશ મીઠુ'નું ટ્રેલર, જોરદાર શોટ્સ મારતી જોવા મળી તાપસી

Updated: Jun 20th, 2022

Article Content Image

- કેપ્ટન તરીકે સૌથી વધારે જીત નોંધાવવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે

મુંબઈ, તા. 20 જૂન 2022, સોમવાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 વર્ષની કરિયર ધરાવતી મહિલા ખેલાડી મિતાલી રાજની બાયોપિક 'શાબાશ મીઠુ'નું ટ્રેલર લોન્ચ કરી દેવાયું છે. વાયકોમ18 સ્ટુડિયોઝની 'શાબાશ મીઠુ' આગામી 15 જુલાઈના રોજ સિલ્વર સ્ક્રીન પર રીલિઝ માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નવી ઉંચાઈએ પહોંચાડનારા મિતાલી રાજે થોડા સમય પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. કેપ્ટન તરીકે સૌથી વધારે જીત નોંધાવવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે જ છે. 

વધુ વાંચોઃ મહિલા ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

આજે લોન્ચ કરવામાં આવેલા ટ્રેલરમાં બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના રોલમાં ખૂબ જ દમદાર અસર ઉભી કરી રહી છે. ટ્રેલરની શરૂઆતમાં મિતાલી રાજ બનેલી તાપસી પન્નુ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગા મારતી જોવા મળે છે. તાપસીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ ટ્રેલર શેર કર્યું છે. 

તાપસીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'નામ તો તમે જાણો જ છો, હવે મિતાલીને લિજેન્ડ બનાવવા પાછળની વાર્તા જોવા માટે તૈયાર થઈ જાઓ. 'ધ જેન્ટલમેન્સ ગેમ'ને નવી રીતે પરિભાષિત કરનારી મહિલાની કહાનીને તમારા સમક્ષ રજૂ કરતા સન્માન અનુભવી રહી છું. 'શાબાશ મીઠુ' 15 જુલાઈ.'

જોરદાર છે આ ટ્રેલર

ટ્રેલરના 2 મિનિટ અને 24 સેકન્ડના વીડિયોમાં મિતાલી રાજના બાળપણથી શરૂ કરીને તેની 23 વર્ષની ક્રિકેટ કરિયરને ખૂબ જ જોરદાર રીતે દર્શાવવામાં આવી છે. તે સિવાય ટ્રેલરમાં અનેક સીન એવા છે જે ઈમોશનલ કરી દે તેવા છે. ટ્રેલર જોઈને કહી શકાય કે, પુરૂષ પ્રધાન રમતમાં મહિલાઓની એન્ટ્રી ખરેખર ખૂબ જ મુશ્કેલ હતી. જોકે મિતાલીએ અશક્ય વાતને શક્ય કરીને બતાવી દીધી. ટ્રેલરમાં મિતાલીના રૂપમાં તાપસી પોતાના ઝનૂન માટે પરિવાર, સમાજ સામે અડગતાથી ઉભી રહેલી જોઈ શકાય છે. 

Article Content Image

મિતાલી રાજના જીવન પર આધારીત છે આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ

ઉલ્લેખનીય છે કે, મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 વર્ષની કારકિર્દી ધરાવે છે. તેણે અનેક રેકોર્ડ્સ બ્રેક કરવાની સાથે વનડે મેચમાં 10,000થી વધારે રન બનાવ્યા છે. આ ફિલ્મમાં મિતાલીના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ, અસફળતાઓ વગેરેને ખૂબ જ સુંદરતાથી આવરી લેવામાં આવ્યા છે. ફિલ્મમાં તાપસી ઉપરાંત વિજય રાજ પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મનું ડિરેક્શન શ્રીજીત મુખર્જીએ કર્યું છે અને પ્રિયા એવેને આ ફિલ્મની સ્ટોરી લખી છે. 

Gujarat