For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહિલા ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

Updated: Jun 9th, 2022

Article Content Image

- મિતાલીએ 232 વનડે મેચમાં 7,805 રન બનાવ્યા છે જ્યારે તે માત્ર 12 ટેસ્ટ મેચ જ રમી છે જેમાં 43.68ની સરેરાશથી 699 રન બનાવ્યા છે

નવી દિલ્હી, તા. 08 જૂન 2022, બુધવાર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નવી ઉંચાઈએ પહોંચાડનારા મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મિતાલી રાજ છેલ્લા 23 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે અને આજે બુધવારના રોજ તેમણે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહીને સૌને ચોંકાવી દીધા છે. 

મિતાલીએ 2 દશકાથી પણ વધુ સમયની ક્રિકેટ કરિયર દરમિયાન રાજ કર્યું છે. તે ભારતમાં મહિલા ક્રિકેટની ઓળખ સમાન છે. તેઓ વનડેમાં સૌથી વધારે રન બનાવનારા મહિલા ખેલાડી છે. ઉપરાંત કેપ્ટન તરીકે પણ સૌથી વધારે જીત મિતાલીના નામે બોલે છે. તેવામાં 39 વર્ષીય મિતાલીએ રિટાયરમેન્ટની જાહેરાત કરી તે મહિલા ક્રિકેટ વર્લ્ડમાં એક મોટી ઘટના કહી શકાય. 

રિટાયરમેન્ટની જાહેરાત કરતી વખતે ભાવુક થઈ મિતાલી

39 વર્ષીય મિતાલીએ આજ રોજ ટ્વિટર પર એક લાંબો મેસેજ મુકીને સંન્યાસની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, હું એક નાની બાળકી હતી જ્યારે મેં બ્લુ જર્સી પહેરીને આપણાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સફર ખૂબ લાંબી રહી જેમાં દરેક પ્રકારની પળની સાક્ષી બનવાનું આવ્યું. છેલ્લા 23 વર્ષો મારા જીવનના શ્રેષ્ઠ સમયમાંથી એક હતા. દરેક સફરની માફક આ સફર પણ પૂરી થઈ રહી છે અને આજે હું ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરૂં છું.  

વધુમાં લખ્યું હતું કે, 'મેં જ્યારે પણ ફિલ્ડ પર પગ મુક્યો ત્યારે હંમેશા મારા તરફથી શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો અને ટીમને વિજય અપાવવા પર ફોકસ કર્યું. મને લાગે છે કે, મારી કરિયરને અલવિદા કહેવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે જ્યારે ભારતનું ભવિષ્ય યુવા પ્લેયર્સના હાથોમાં છે. હું BCCI, સચિવ જય શાહ તથા અન્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કરૂં છું. 

અનેક વર્ષો સુધી ટીમની કેપ્ટનશિપ કરવી મારા માટે ગર્વની વાત રહી. આ પળોએ મને એક વ્યક્તિ તરીકે વધુ શ્રેષ્ઠ બનાવી. સાથે જ મહિલા ક્રિકેટને પણ આગળ વધારી. ભલે આ સફરનો અહીં અંત આવી રહ્યો હોય પરંતુ હું કોઈને કોઈ સ્વરૂપે ક્રિકેટ સાથે સંકળાયેલી રહીશ.'

Article Content Image

મિતાલીની ક્રિકેટ કરિયર પર એક નજર

વર્તમાન સમયમાં મિતાલી રાજ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાંથી એક છે. મિતાલીના નામે વનડેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. સાથે જ ભારત માટે સૌથી લાંબા સમય સુધી કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે જ છે. 

ક્રિકેટ કરિયરની વાત કરીએ તો મિતાલીએ 232 વનડે મેચમાં 7,805 રન બનાવ્યા છે અને આ દરમિયાન મિતાલીની સરેરાશ 50.68ની રહી છે. વનડે ક્રિકેટમાં મિતાલી સૌથી વધારે રન બનાવનારી મહિલા ક્રિકેટર છે. મિતાલીના નામે 7 શતક અને 64 અર્ધશતક છે. 

ક્રિકેટ ક્ષેત્રે 23 વર્ષની કરિયર દરમિયાન મિતાલી માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે જેમાં 43.68ની સરેરાશથી તેણે 699 રન બનાવ્યા છે જેમાં એક ડબલ સેન્ચ્યુરી (214 રન)નો પણ સમાવેશ થાય છે. જો ઈન્ટરનેશનલ ટી-20ની વાત કરીએ તો મિતાલીએ 89 મેચમાં 2,364 રન બનાવ્યા છે. ટી-20 ઈન્ટરનેશનલમાં પણ મિતાલીએ 17 ફિફ્ટી ફટકારી છે. 

કેપ્ટન તરીકે સૌથી વધારે જીત નોંધાવવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે જ છે. તેણે 155 વનડે મેચમાં કેપ્ટનશિપ કરી જેમાંથી 89માં જીત અને 63માં હાર મળી છે. મિતાલી રાજ વિશ્વની એકમાત્ર એવી કેપ્ટન છે જેણે 150થી વધારે વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે. 

કેપ્ટન તરીકે રેકોર્ડઃ

મિતાલી રાજ (ભારત): કુલ મેચ 155, જીત-89, હાર-63

સી. એડવર્ડ્સ (ઈંગ્લેન્ડ): કુલ મેચ 117, જીત-72, હાર-38

બી. ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા): કુલ મેચ 101, જીત-83, હાર-17

 

Gujarat