સતીશ શાહની ચિતા સામે 'સારાભાઈ vs સારાભાઈ'ની ટીમે ગીત ગાઈને આપી શ્રદ્ધાંજલિ, સૌ કોઈ થયા ભાવુક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sarabhai vs Sarabhai Team Emotional Farewell: કિડની ફેલ થવાના કારણે 25 ઓક્ટોબરે મુંબઈમાં 74 વર્ષની વયે અવસાન પામેલા દિગ્ગજ અભિનેતા સતીશ શાહને, 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'ના કલાકારોએ ભાવુક વિદાય આપી. જેમાં રૂપાલી ગાંગુલી, સુમીત રાઘવન, રાજેશ કુમાર, જે.ડી. મજેઠિયા, દેવેન ભોજાણી સહિતના કલાકારોએ સતીશ શાહના પાર્થિવ દેહ સામે ઊભા રહ્યા અને શોનું ટાઈટલ ટ્રેક ગાઈને તેમણે પોતાના પ્રિય સહ-કલાકારને અંતિમ અલવિદા કહ્યું.
રૂપાલી ગાંગુલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી
જ્યારે તેમણે 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' શોનું ટાઈટલ ટ્રેક ગાયું, ત્યારે રૂપાલી ગાંગુલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તે બેસૂધ થઈને રડતા જોવા મળી અને જે.ડી. મજેઠિયા તેને દિલાસો આપતા જોવા મળ્યા. રાજેશ કુમાર અને સુમીત પણ સતીશ શાહના પાર્થિવ દેહ સામે પ્રાર્થના કરતી વખતે રડી પડ્યા હતા.
દેવેને આપી શ્રદ્ધાંજલિ
દેવેને ઇન્સ્ટા પર આ ભાવનાત્મક વીડિયો શેર કરીને લખ્યું કે, 'કદાચ આ પાગલપન, ડાર્ક અથવા વિચિત્ર લાગી શકે છે. પણ જ્યારે પણ અમે મળતા હતા, ત્યારે આ ગીત ગાતા હતા. આજે પણ અમે આ નિયમને તોડ્યો નહીં. અમને એવો અનુભવ થયો કે ઇન્દુ (સતીશ શાહનું ઓનસ્ક્રીન પાત્ર) પોતે જ અમને આ ગીત ગાવા માટે કહી રહ્યા છે અને અમારી સાથે જોડાઈ રહ્યા છે. સતીશ શાહજી, તમારી આત્માને શાંતિ મળે. મને ખુશી છે કે મેં તમને 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' શોમાં ડાયરેક્ટ કર્યા. તમે હંમેશા અમારા દિલમાં જીવંત રહેશો.'
'સારાભાઈ વર્સીસ સારાભાઈ'ના કલાકારો આવ્યા
'સારાભાઈ વર્સીસ સારાભાઈ'ના તમામ કલાકારો એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને હંમેશા એકબીજાની ખૂબ નજીક રહ્યા છે. તેઓ અવારનવાર ખાસ પ્રસંગોએ મળતા હતા અને સાથે સમય વિતાવવાનું પસંદ કરતા હતા. કલાકારોનો સતીશ શાહની પત્ની મધુ શાહ સાથે પણ સારો સંબંધ હતો.
સુમીત રાઘવને સતીશ શાહ વિશે વાત કરી
તાજેતરમાં, સુમીત રાઘવને સોશિયલ મીડિયા પર તેમના દિવંગત સહ-કલાકાર સતીશ શાહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. તેમણે એક ભાવુક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે સતીશને માત્ર એક સહકર્મી તરીકે જ નહીં, પરંતુ એક એવા પિતા તરીકે યાદ કર્યા જેમણે દરેકના જીવન પર અમીટ છાપ છોડી. તેમજ જે.ડી. મજેઠિયાએ દિવંગત સતીશ શાહ સાથેના તેમના સંબંધો વિશે વાત કરી. તેમણે કહ્યું, 'હું આઘાતમાં છું, મેં એક મોટા ભાઈને ગુમાવ્યા છે. તેઓ મારા પરિવાર જેવા હતા. મેં પરમદિવસે જ તેમની સાથે વાત કરી હતી. અમારે તેમના ઘરે જવાનું હતું અને આવું થઈ ગયું. મને વિશ્વાસ નથી થઈ રહ્યો.'
ત્રણ મહિના પહેલા જ કરાવ્યું હતું કિડની ટ્રાન્સપ્લાન્ટ
તેમણે જણાવ્યું કે સતીશ શાહનું ત્રણ મહિના પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને હવે તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ અચાનક અમને જાણ થઈ કે તેમને ઇન્ફેકશન થયું છે. તેઓ દરેક ચર્ચાનો જીવ હતા. તેઓ ખૂબ જ શિક્ષિત, જાગૃત અને શબ્દોના સારા જાણકાર હતા. લોકો તેમને કોમેડી માટે જાણે છે, પણ તેઓ તેનાથી ક્યાંય વિશેષ હતા. તમે તેમની સાથે કોઈપણ વિષય પર વાત કરી શકો છો અને તમે તેમની પાસેથી ઘણું શીખી શકો છો.'









