મહિલા ચાહકે વારસામાં આપેલી રૂ.72 કરોડની સંપત્તિનું શું કર્યું? સંજય દત્તનો ખુલાસો
Image Source: Twitter
Sanjay Dutt Property: એવું ભાગ્યે જ બને છે કે કોઈ વ્યક્તિ કોઈ પારકા વ્યક્તિ માટે સંપત્તિ છોડી દે. જોકે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત સાથે આવું બન્યું છે. તાજેતરમાં જ અભિનેતાએ પોતાના જીવનની એક ચોંકાવનારી ક્ષણ વિશે જણાવ્યું હતું. એક મહિલા ચાહક તેના માટે 72 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગઈ હતી. હવે અભિનેતાએ ખુલાસો કર્યો છે કે, તેણે આ સંપત્તિનું શું કર્યું.
એક ઈન્ટરવ્યુમાં સંજય દત્તને પૂછવામાં આવ્યું કે, શું એ સત્ય છે કે, એક મહિલા ચાહકે 2018માં નિધન પહેલા તમને વારસામાં સંપત્તિ આપી હતી? સંજય દત્તે આ બાબતને સાચી ગણાવી. આ મામલે જવાબ આપતા સંજય દત્તે કહ્યું કે, 'મેં આ સંપત્તિ તેમના પરિવારને પરત કરી દીધી છે.'
શું હતો સંપત્તિ આપવાનો સમગ્ર મામલો?
વાસ્તવમાં વર્ષ 2018માં સંજય દત્તની ચાહક નિશા પાટીલ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે પોતાની લગભગ 72 કરોડ રૂપિયાની સંપત્તિ સંજય દત્તના નામે કરી દીધી હતી. આ પગલાથી સંજય દત્ત હેરાન રહી ગયો હતો. મુંબઈની 62 વર્ષીય નિશા એક અસાધ્ય રોગથી પીડિત હતી. તેણે પોતાની બેંકને કહ્યું કે, મારા મૃત્યુ પછી મારી બધી સંપત્તિ સંજય દત્તને સોંપી દેવામાં આવે. જોકે, સંજય દત્તે આ સંપત્તિ મહિલાના પરિવારને સોંપી દીધી હતી.
આ વર્ષે સંજય દત્તની ઘણી ફિલ્મ રિલીઝ થશે
તમને જણાવી દઈએ કે સંજય દત્તે 1981માં ફિલ્મ 'રૉકી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં જ તેની ફિલ્મો 'ધ ભૂતની' અને 'હાઉસફુલ ૫' રિલીઝ થઈ છે. હાલમાં સંજય દત્ત ઘણા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલો છે. તેની ફિલ્મો 'અખંડ ૨', 'ધુરંધર' અને 'ધ રાજા સાબ' આ વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. તે 2026માં રિલીઝ થનારી કન્નડ ફિલ્મ 'કેડી-ધ ડેવિલ'નો પણ હિસ્સો છે.