સલમાન ખાનની સુરક્ષામાં ફરી ચૂક: બે દિવસમાં બે લોકોએ ગેલેક્સી ઍપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, મહિલાની ધરપકડ
Salman Khan Security: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે. બે દિવસમાં બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા 20 મેના રોજ એક વ્યક્તિએ સલમાન ખાનના ગેલેક્સી ઍપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા ગાર્ડ્સે પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. બીજા દિવસે એટલે કે 21 મેની રાત્રે, એક મહિલાએ પણ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. ગુરુવારે સવારે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી.
સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ
મંગળવારે એક વ્યક્તિ સલમાન ખાનની સિક્યુરિટીની નજરચૂક થતા તેના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. આ યુવક કાર પાછળ છુપાઈને સલમાનના ઘરમાં પ્રવેશવામાં પણ સફળ રહ્યો. જોકે, સુરક્ષા ગાર્ડ્સે તેને બિલ્ડિંગના પ્રવેશદ્વાર પાસે પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. યુવકનું નામ જીતેન્દ્ર કુમાર સિંહ છે, જે છત્તીસગઢનો રહેવાસી હોવાનું કહેવાય છે.
એક મહિલાએ પણ સલમાનના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો
આ ઉપરાંત બુધવારે રાત્રે એક અજાણી મહિલાએ પણ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ઈશા છાબરા નામની એક મહિલાએ રાત્રે લગભગ 3:30 વાગ્યે સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે મહિલા બિલ્ડિંગની લિફ્ટ દ્વારા સીધી સલમાનના ઘરે પહોંચી. જ્યાં ગેલેક્સી ઍપાર્ટમેન્ટના સુરક્ષા ગાર્ડ્સે મહિલાને પકડીને બાંદ્રા પોલીસને સોંપી દીધી. આ પછી, સુરક્ષા ગાર્ડની ફરિયાદ પર, બાંદ્રા પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો અને ગુરુવારે સવારે તેની ધરપકડ કરી.
આ પણ વાંચો: ખબર નહીં શું થયું પણ પરેશ રાવલ આવા નથી...: હેરા-ફેરી 3 મુદ્દે સુનિલ શેટ્ટીનું નિવેદન
મુંબઈ પોલીસે બંને ઘટનાઓની પુષ્ટિ કરી
મુંબઈ પોલીસે આ બંને ઘટનાઓની પુષ્ટિ કરી છે. જોકે યુવક અને મહિલાએ સુરક્ષા તોડીને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તે ઘટના ક્યારે બની તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. મુંબઈ પોલીસના ડીસીપીના જણાવ્યા મુજબ, યુવકે મંગળવારે સાંજે અને મહિલાએ બુધવારે રાત્રે સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
ગયા વર્ષે ગેલેક્સી ઍપાર્ટમેન્ટ્સમાં થયું હતું ફાયરિંગ
આ પહેલા ગયા વર્ષે 14 એપ્રિલે સલમાન ખાનના ગેલેક્સી ઍપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાની જવાબદારી લૉરેન્સ ગેંગે લીધી. બાદમાં પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના પછી જ મુંબઈ સરકારે સલમાનને Y+ સુરક્ષા આપી હતી.