બાહુબલી બાદ રાજામૌલી બનાવશે 'RRR'ની સિક્વલ

Updated: Jul 7th, 2022

 

- ફિલ્મ 'RRR' હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન મિડસીઝન એવોર્ડ 2022 રનર અપ બની છે 

મુંબઈ, તા. 07 જુલાઈ 2022, ગુરૂવાર

જૂનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મ 'RRR'ને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તે 2022ની સૌથી પ્રખ્યાત ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મ 25 માર્ચના રોજ રિલીઝ થઈ હતી અને હજુ પણ વિદેશમાં પ્રભુત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને ઘણા લોકો તેને OTT પ્લેટફોર્મ ઉપર જોઈ રહ્યા છે. આ દરમિયાન રાજામૌલીની ફિલ્મને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.


'RRR'ની સિક્વલ બને તેવી રાજામૌલીના પિતાની પણ ઈચ્છા

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, આ ફિલ્મની સિક્વલ બનાવવામાં આવશે. તેના માટે દર્શકોએ લાંબી રાહ જોવી પડશે કારણકે 'RRR'ના આગામી ભાગની શૂટિંગ વર્ષ 2024માં કરવામાં આવશે. આ ફિલ્મના બીજા ભાગને એસ. એસ. રાજામૌલી દ્વારા મોટા પાયે બનાવવામાં આવશે અને તેમાં જૂનિયર એનટીઆર અને રામ ચરણ ફરી એક વખત પોત-પોતાની ભૂમિકામાં જોવા મળશે. 'બાહુબલી'ના જાણીતા લેખક અને રાજામૌલીના પિતા કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ હાલમાં જ રાજ્યસભામાં નોમિનેટ થયા છે. તેઓ પણ 'RRR'ને એક ફ્રેન્ચાઈઝી તરીકે વિસ્તારવામાં રસ ધરાવે છે.  

'બાહુબલી' બાદ 'RRR' બનશે બીજી ફ્રેન્ચાઈઝી

રાજામૌલીને તેમના પિતાએ 'RRR'ની સિક્વલ બનાવવાની સલાહ આપી છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન 2023માં શરૂ થશે અને 2024માં તેનું શૂટિંગ કરવામાં આવશે. 'બાહુબલી' બાદ રાજામૌલીની બીજી ફ્રેન્ચાઈઝી 'RRR' હશે. હાલમાં રાજામૌલી તેમના એક મોટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટમાં મહેશબાબુ લીડ સ્ટાર હશે. તેનુ શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. 

  

હોલિવુડમાં પણ 'RRR'એ મેદાન માર્યુ

રામ ચરણ અને જૂનિયર એનટીઆરની 'RRR' કોમારામ ભીમ અને અલ્લૂરી સીતારામ રાજુના જીવનની આસપાસ ફરે છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈઝ બોક્સ ઓફિસ ઉપર આશરે 12 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દર્શકોનું દિલ જીતી લીધું છે. તાજેતરમાં 'RRR'એ હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝની 'ટોપ ગનઃ મેવેરિક' અને 'ધ બેટમેન' જેવી ફિલ્મોને પાછળ મૂકીને બીજી 'શ્રેષ્ઠ ફિલ્મ'નો એવોર્ડ જીત્યો છે. ફિલ્મ 'RRR' હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન મિડસીઝન એવોર્ડ 2022 રનર અપ બની છે. 

    Sports

    RECENT NEWS