નીતુ નહીં પરંતુ અન્ય યુવતીને અનહદ પ્રેમ કરતા હતા ઋષિ, પુસ્તકમાં કર્યો હતો ખુલાસો
ફિલ્મ બોબી બાદ એક મેગેઝીને ઋષિ અને ડિમ્પલ વચ્ચે અફેરના સમાચાર છાપી દેતા બ્રેકઅપ થયું
નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર
બોલિવુડના મશહૂર અભિનેતા ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલિવુડ હજુ ઈરફાન ખાનના મૃત્યુના શોકમાંથી બહાર પણ નહોતું આવ્યું ત્યાં બીજા દિવસે ઋષિ કપૂરના મૃત્યુના સમાચારથી બોલિવુડ ઉપરાંત તેમના ચાહકો પણ શોકમગ્ન થઈ ગયા છે. ઈરફાનની માફક ઋષિ કપૂર પણ કેન્સરગ્રસ્ત હતા અને સૌથી પહેલા અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને પોતે સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે તેમ જણાવ્યું હતું.
ઋષિ કપૂર અને નીતૂ કપૂરના લગ્ન 1980માં થયા હતા પરંતુ તેના પહેલા ઋષિ અન્ય એક યુવતી સાથે ગાઢ રિલેશનમાં હતા અને તેને લઈ ખૂબ જ ગંભીર હતા. ઋષિએ પોતાના પુસ્તક 'ખુલ્લમ ખુલ્લાઃ ઋષિ કપૂર દિલ સે'માં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમની પહેલી ગર્લફ્રેન્ડ યાસ્મીન મેહતા નામની એક પારસી યુવતી હતી જેને તે બોબી ફિલ્મ પહેલા ડેટ કરતા હતા.
મેગેઝીનમાં અફવા બાદ થયું હતું બ્રેકઅપ
1973માં ફિલ્મ બોબી દ્વારા ઋષિ અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ રીલિઝ થયા બાદ એક લોકપ્રિય મેગેઝીને બંને વચ્ચે અફેર હોવાના સમાચાર છાપી દીધા હતા. આ સમાચારથી ડિમ્પલને ખાસ કોઈ અસર નહોતી થઈ કારણ કે, તે સમયે તેણે રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધેલા હતા પરંતુ ઋષિ અને યાસ્મીનના સંબંધો પર તેની ગંભીર અસર પડી હતી અને તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.
ઋષિ ઈચ્છતા હતા કે યાસ્મીન તેમના જીવનમાં પાછી આવે પરંતુ તેમ ન બની શક્યું. બીજી બાજુ ઋષિ અને નીતૂએ સાથે કામ કરેલું પરંતુ તેઓ એકબીજાથી આકર્ષિત નહોતા થયા. જો કે, તેમના વચ્ચે સારૂં બોન્ડિંગ હતું જે ધીમે-ધીમે પ્રેમમાં પરિણમ્યું હતું.