ઋષિ કપૂરના અવસાન બાદ દીકરી રિદ્ધિમાની પોસ્ટઃ "અમે તમને દરરોજ યાદ કરીશું પાપા"
રિદ્ધિમા સહિત પાંચ લોકોને 1,400 કિમીનું અંતર કાપીને રોડ માર્ગે દિલ્હીથી મુંબઈ જવા મંજૂરી અપાઈ
નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર
અભિનેતા ઋષિ કપૂરના અચાનક થયેલા અવસાનના કારણે કપૂર પરિવાર ઉપરાંત સમગ્ર બોલિુડ અને તેમના ચાહકોમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. આ સમયે દીકરી રિદ્ધિમા કપૂરે પિતાને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ મુકી હતી.
ઋષિ કપૂરના મૃત્યુ સમયે તેમની દીકરી રિદ્ધિમા દિલ્હી હતી જેથી તેણે તાત્કાલિક મૂવમેન્ટ પાસની વ્યવસ્થા કરીને મુંબઈનો રસ્તો પકડ્યો હતો. હાલ લોકડાઉનના કારણે ટ્રેન અને ફ્લાઈટ સેવા બંધ હોવાથી રિદ્ધિમાને દિલ્હીથી મુંબઈ વચ્ચેનું 1,400 કિમીનું અંતર રોડ માર્ગે જ કાપવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેણે પિતાને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.
રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર પિતા સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'પાપા હું તમને પ્રેમ કરૂ છું અને હંમેશા તમને પ્રેમ કરતી રહીશ. RIP મારા બહાદુર યોદ્ધા. હું દરરોજ તમને યાદ કરીશ. દરરોજ તમારા સાથેના ફેસટાઈમ કોલ યાદ કરીશ. કાશ હું તમને અલવિદા કહેવા ત્યાં હાજર રહી હોત. જ્યાં સુધી આપણે ફરી ન મળીએ ત્યાં સુધી હું તમને ખૂબ પ્રેમ કરૂ છું પાપા...'
દિલ્હી પોલીસે રિદ્ધિમા સહિત ઋષિ કપૂરના પરિવારના પાંચ સદસ્યોને મુંબઈ જવા માટેનો મૂવમેન્ટ પાસ કાઢી આપ્યો હતો. ઋષિ કપૂરના મૃત્યુના સમાચાર મળતા જ રિદ્ધિમા ઉપરાંત ભરત સાહની, સમારા સાહની સહિત પાંચ લોકોને દિલ્હીથી મુંબઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.