બાદશાહનો અમેરિકામાં યોજાનારો કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ
Rapper Badshah in Controversy: જાણીતો રેપર બાદશાહનો 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકા ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટરમાં કોન્સર્ટ યોજવાનો છે, જેના કારણે તે વિવાદમાં ફસાયો છે. તેનો કોન્સર્ટ એક પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ છે. જેના કારણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) તેને એક પત્ર મોકલીને તેની પાસેથી સ્પષ્ટતા માંગી છે.
પત્રમાં શું લખ્યું છે?
પત્રમાં લખ્યું છે કે, 'પ્રિય બાદશાહ, અમને જાણ થઈ છે કે તમે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટર ખાતે 'બાદશાહ અન-ફિનિશ્ડ ટૂર'માં કાર્યક્રમ આપવાના છો. આ કાર્યક્રમ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની '3સિક્સટી શોઝ' દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો છે.'
પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપનીએ કોન્સર્ટ સ્પોન્સર કર્યો
પત્રમાં લખ્યું છે કે, 'જેમ તમે જાણો છો, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આદેશો અનુસાર ભારતીય એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના તમામ કલાકારો અને ટેકનિશિયનોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ પાકિસ્તાની નાગરિકો કે પાકિસ્તાન સાથે જોડાયેલા સંગઠનો સાથે કોઈપણ પ્રકારના પ્રોફેશનલ કામ કે સહયોગમાં ભાગ લેવાનું ટાળે.
આ પણ વાંચો: શાહિદ-તૃપ્તિની રોમિયોમાં અવિનાશ તિવારીની પણ એન્ટ્રી
પત્રમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, 'આ આદેશો સરહદ પારથી ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે લાગુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓ હિંસાની યાદ અપાવે છે અને આવા ગુનેગારો અને તેમના સમર્થકો સામે આપણે સૌ એક છીએ તેનું મહત્ત્વ શીખવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, અમે તમને આ ઇવેન્ટ અને સંસ્થા સાથેના તમારા સંબંધ વિશે તાત્કાલિક સ્પષ્ટતા આપવા વિનંતી કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે એક સન્માનિત ભારતીય કલાકાર તરીકે તમે દેશની ભાવનાઓ અને FWICE તેમજ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશોનું પાલન કરશો.' પત્રમાં જલ્દી જવાબ આપવાની માંગ કરી છે.