Entertainment

દેવીની ઠેકડી માટે રણવીરે આખરે જાહેર માફી માગવી પડી

By GS TEAM
3 Dec 20251 min read
દેવીની ઠેકડી માટે રણવીરે આખરે જાહેર માફી માગવી  પડી

- રણવીર સામે પોલીસ ફરિયાદ પણ થઈ

- તમામ ધાર્મિક અને પ્રાદેશિક પરંપરાઓનું સન્માન કરતો હોવાનો દાવો

મુંબઈ : રણવીરે 'કાંતારા ચેપ્ટર વન' ફિલ્મમાં દર્શાવાયેલાં દેવીના ચિત્રણની ઠેકડી  ઉડાડી મિમિક્રી કરવા  બદલ જાહેર માફી માગવી પડી છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પોતાનો ઈરાદો કોઈનેય દુભવવાનો ન હતો. પોતે તમામ ધાર્મિક અને પ્રાદેશિક પરંપરાઓને માન આપે છે. 

ફિલ્મમાં હિરો ઋષભ શેટ્ટીના દેહમાં દૈવ પ્રવેશે છે તેવો સીન છે. આ સીનની પ્રશંસા કરવા જતાં રણવીરે ઉલ્ટાની તેની ઠેકડી ઉડાડી હતી. તેણે દેવીનાં પાત્રને ફિમેલ ઘોસ્ટ ગણાવ્યું હતું. આથી, સોશિયલ મીડિયા પર રણવીરની આકરી ટીકાઓ થઈ હતી. એક સંગઠને રણવીર સામે ધાર્મિક લાગણી દૂભવવાનો પોલીસ કેસ પણ કરી દીધો હતો. 

વિવાદ વધતાં આખરે રણવીરની સાન ઠેકાણે આવી હતી અને તેણે  જાહેર માફી માગી હતી. રણવીર આ પ્રકારના વિવાદોમાં અગાઉ પણ ફસાઈ ચૂક્યો છે. આ પહેલાં તેણે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું હતું. આ ફોટો શૂટ અંગે પોલીસ ફરિયાદ થતાં તેણે પોલીસ મથકે સ્ટેટમેન્ટ આપવા જવું પડયું હતું.