આર માધવન લેહમાં ભારે વરસાદને કારણે ફસાઈ ગયો

- એરપોર્ટ બંધ હોવાથી હોટલમાં કેદ
- લેહમાં થયેલાં થ્રી ઇડિયટ્સના શૂટિંગ સમયની યાદો તાજી કરી
મુંબઈ : આર. માધવન ભારે વરસાદને કારણે લેહમાં ફસાઈ ગયો છે. અતિશય ભારે વરસાદને કારણે ત્યાં જનજીવન ઠપ થઈ ગયું છે. લેહ એરપોર્ટ પણ બંધ કરી દેવાયું છે. આ સંજોગોમાં આર. માધવન હોટલના રુમમાં કેદ થઈ ગયો છે.
માધવન લેહમાં રણવીર સાથેની ફિલ્મ 'ધુરંધર'નાં શૂટિંગ માટે પહોંચ્યો હતો. જોકે, ત્યાં ફિલ્મના યુનિટને એક પછી એક મુશ્કેલી નડી હતી. અગાઉ, ફિલ્મના સેટ પર અપાયેલાં ભોજનમાં ખોરાકી ઝેરની અસરના કારણે ૧૦૦થી વધુ લોકોને હોસ્પિટલ દાખલ કરવા પડયા હતા. તેના કારણે શૂટિંગ અટકી પડયું હતું. તે પછી ત્યાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે વિધ્ન આવ્યું છે.
હોટલના રુમમાં બેઠેલા માધવને ત્યાંથી વિડીયો શેર કર્યા હતા. તેણે વર્ષો પહેલાં લેહમાં 'થ્રી ઇડિયટ' ફિલ્મનાં શૂટિંગ વખતના દિવસો પણ તાજા કર્યા હતા.








