Pulp Fiction Actor Peter Greene Death: હોલિવૂડના ચાહકો માટે એક દુઃખદ સમાચાર છે. ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મ 'પલ્પ ફિક્શન' માં ઝેડની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવનાર અભિનેતા પીટર ગ્રીનનું અવસાન થયું છે. તેમણે 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમનો મૃતદેહ તેમના મેનહટ્ટન એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. ગ્રીનના મેનેજરે તેમના નિધનની પુષ્ટિ કરી, જેનાથી ચાહકો ચોંકી ગયા.
પીટર તેમના ખતરનાક ખલનાયકના રોલ માટે જાણીતા હતા. અહેવાલો અનુસાર, તેમનો મૃતદેહ 12 ડિસેમ્બરના રોજ તેમના મેનહટ્ટન એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. ગ્રીનના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી.
પલ્પ ફિક્શનમાં ભજવ્યું હતું ભયાનક પાત્ર
ગ્રીને તેમની કારકિર્દી દરમિયાન ઘણી અદભુત ભૂમિકાઓ ભજવી હતી. જેમાં 'પલ્પ ફિક્શન'નું તેમનું પાત્ર અત્યંત ભયાનક હતું. તેમણે સિરિયલ કિલર અને ખતરનાક પાત્રથી બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મે તેમને ખૂબ જ લોકપ્રિય બનાવ્યા હતા. "ધ માસ્ક" માં ડોરિયનની ભૂમિકા માટે પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
ગ્રીન ઘરેથી ભાગી ગયો
ગ્રીનનો જન્મ 8 ઓક્ટોબર, 1965 ના રોજ ન્યૂ જર્સીમાં થયો હતો. અહેવાલો અનુસાર, તે 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગયો હતો અને ઘણા વર્ષો સુધી બેઘર રહ્યો હતો. ગ્રીને 1990 ના દાયકાની શરૂઆતમાં સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે 'લોઝ ઓફ ગ્રેવીટી' (1992), 'જજમેન્ટ નાઇટ' (1993), 'ક્લીન, શેવન' (1993), 'અંડર સીજ 2' (1995), અને 'ધ યુઝ્યુઅલ સસ્પેક્ટ્સ' (1995) જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે.
આ પણ વાંચો: અભિનેત્રીએ 7 થપ્પડ મારી તોય અક્ષય ખન્નાએ કોઈ ફરિયાદ ન કરી, ધુરંધરનો આ સીન ચર્ચામાં


