કન્નડ અભિનેત્રીના ઘરમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ! પોલીસ તપાસ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Krishi Thapanda: બેંગલુરુના આરઆર નગર વિસ્તારમાં આવેલી કન્નડ એક્ટ્રેસ કૃષિ થાપંડાના ઘરેથી એક 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અભિનેત્રીના ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવેલા આ મૃતદેહની ઓળખ વૈશાખ ઉપાધ્યાય તરીકે થઈ છે. વૈશાખના અકાળે અવસાનથી તેમનો પરિવાર સ્તબ્ધ છે, જેમાં તેમની પત્ની અને એક 14 વર્ષનો પુત્ર છે.
મોડી રાત્રે પોલીસને મળી જાણકારી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે (24 જૂન, 2026) મોડી રાત્રે સામે આવી હતી. બંગારપ્પા ગુડ્ડા પાસે આવેલા 'એલિગન્ટ ટેરેસ' એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં વૈશાખનો મૃતદેહ લટકતો હોવાની માહિતી મળતા જ આરઆર નગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજે કરીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
મૃતક વ્યક્તિ અભિનેત્રીના ઘરે કેમ ગયો હતો?
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મૃતક વૈશાખના વિવાહિત જીવનમાં લાંબા સમયથી ભારે ઉતાર-ચઢાવ ચાલી રહ્યા હતા. બિઝનેસમેન એવીઆર રેડ્ડી દ્વારા નોંધાવવામાં આવેલા એક કેસ બાદ વૈશાખ અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. આ પારિવારિક વિવાદો અને મતભેદોથી કંટાળીને તે અવારનવાર અભિનેત્રી કૃષિ થાપંડાના ઘરે આવીને રોકાતો હતો. બુધવારે પણ તે આ જ કારણે અભિનેત્રીના ઘરે આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિઝનેસમેન એવીઆર રેડ્ડીને કથિત રીતે ધમકી આપવાના આરોપમાં વૈશાખની અગાઉ ધરપકડ પણ થઈ ચૂકી હતી, જેનો કેસ બેંગલુરુના એચએએલ (HAL) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે.
આ પણ વાંચો: ઓસ્કરની વોટિંગ પેનલમાં વિશાલ ભારદ્વાજ અને દિપા ભાટિયાને આમંત્રણ
ઘટના સમયે અભિનેત્રી ઘરે હાજર નહોતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે ફ્લેટમાં આ આખી ઘટના બની, ત્યારે અભિનેત્રી કૃષિ થાપંડા ત્યાં હાજર નહોતી. તે આ દિવસોમાં મહાદેવપુરા નજીક આવેલા 'ક્ષેમવન' ખાતે એક મેડિટેશન (ધ્યાન) પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ગઈ હતી. વૈશાખે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું, તે જાણવા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.









